Arvind Kejriwal Arrest: દિલ્હીના મુખ્યમંત્રીની સીબીઆઇએ ધરપકડ કરી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બુધવારે (26 જૂન) CBI દ્ધારા ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. CBIએ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટી (AAP)ના વડાની પૂછપરછ કરવા માટે તેમની કસ્ટડીની માંગણી કરી હતી. CBI અધિકારીઓએ મંગળવારે (25 જૂન) સાંજે તિહાડ જેલમાં કેજરીવાલની પૂછપરછ પણ કરી હતી.






કેજરીવાલની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેમની એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ અરજી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીએ દિલ્હી હાઈકોર્ટના જામીનના આદેશ પર સ્ટેને પડકાર્યો છે. વાસ્તવમાં, દિલ્હીની એક નીચલી અદાલતે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, જેના પર હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. EDએ કેજરીવાલના જામીનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી બાદ કોર્ટે જામીન પર સ્ટે મુકવાનો આદેશ આપ્યો હતો.


સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) આજે સવારે કેજરીવાલને તિહાડ જેલમાંથી રાઉઝ એવન્યુ કોર્ટ લઈ ગઈ હતી. કેજરીવાલને વેકેશન બેન્ચના જજ અમિતાભ રાવત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ કોર્ટ પાસે તેમની કસ્ટડીની માંગણી કરી હતી. કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ આનો વિરોધ કર્યો હતો.


તેમણે કહ્યું હતું કે  કેજરીવાલને અન્ય કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા ત્યારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈ ઓર્ડર પસાર કરવામાં આવ્યો નથી અને અમને જાણ નથી. જે રીતે આ કરવામાં આવ્યું છે તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે અમને મીડિયા દ્વારા જાણ થઈ. અમારી માંગ છે કે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજીની નકલ પણ અમને આપવામાં આવે.