CBI Raid on Durgesh Pathak: ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી રહી છે. આ દરમિયાન સીબીઆઈ ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ અંગે દિલ્હીના વિપક્ષી નેતા આતિશી, મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં આતિશીએ લખ્યું હતું કે, "આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણીની તૈયારી શરૂ કરતાની સાથે જ સીબીઆઈએ ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા! ગુજરાતમાં ફક્ત આપ જ ભાજપને પડકાર આપી શકે છે અને આ દરોડા તેમનો ગભરાટ દર્શાવે છે! આટલા વર્ષોમાં ભાજપ સમજી શક્યું નહીં કે અમે તેમની ધમકીઓથી ડરવાના નથી."

'સીબીઆઈના દરોડા કોઈ સંયોગ નથી' - મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો હતો કે, "ગુજરાત ચૂંટણી 2027ની જવાબદારી સોંપાતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. આ કોઈ સંયોગ નથી, આ ભાજપના ડરમાંથી બહાર આવેલું કાવતરું છે. ભાજપ જાણે છે કે હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેમને ગુજરાતમાં પડકાર આપી શકે છે - અને આ સત્યે તેમને હચમચાવી દીધા છે. CBI ના દસ્તકમાં ભયનો પડઘો સ્પષ્ટપણે સંભળાય છે."

'જ્યારે ગુજરાતની જવાબદારી મળી ત્યારે CBIએ દરોડા પાડ્યા'

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, "ગત ગુજરાત ચૂંટણીના કારણે ભાજપની કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું હતું અને હવે જ્યારે દુર્ગેશ પાઠકને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે આજે CBIએ તેમના ઘરે દરોડા પાડ્યા છે."