CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
cbse chairman transferred: ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં ગેરરીતિની ફરિયાદો બાદ 1 મહિનામાં રિપોર્ટ સોંપવા તપાસ સમિતિની રચના કરાઈ; સંસદીય સમિતિમાં પણ અધિકારીઓને સખત ઠપકો મળ્યો.

- CBSE ચેરમેન અને સચિવની તાત્કાલિક અસરથી બદલી કરાઈ.
- ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં ગેરરીતિઓની તપાસ માટે સમિતિ.
- વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ મળ્યાની ફરિયાદો બાદ કાર્યવાહી.
- સંસદીય સમિતિએ સિસ્ટમની ખામીઓ પર અધિકારીઓને ઠપકો આપ્યો.
cbse chairman transferred: કેન્દ્રની મોદી સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સિસ્ટમમાં થયેલા કથિત ગોટાળા મામલે મોટી કાર્યવાહી કરી છે. સરકારે તાત્કાલિક અસરથી CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સેક્રેટરી હિમાંશુ ગુપ્તાની બદલી કરી દીધી છે. આ સાથે જ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ખાસ તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. સંસદીય સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ભારે ગરમાગરમી જોવા મળી હતી, જ્યાં એક વિદ્યાર્થીએ સામે આવીને સિસ્ટમની પોલ ખોલી હતી અને સાંસદોએ અધિકારીઓને બરાબરનો ઠપકો આપ્યો હતો.
મામલાની તપાસ માટે ખાસ સમિતિની રચના
CBSE માં ઓન-સ્ક્રીન માર્કિંગ પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિના અધ્યક્ષ તરીકે ક્ષમતા નિર્માણ આયોગ (CBC) ના વડા એસ. રાધા ચૌહાણને નીમવામાં આવ્યા છે. આ સમિતિએ 1 મહિનાની અંદર સમગ્ર મામલાની તપાસ પૂરી કરીને પોતાનો રિપોર્ટ કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ને સોંપવાનો રહેશે. જરૂર પડ્યે આ સમિતિ અન્ય સરકારી વિભાગોના અધિકારીઓની મદદ પણ લઈ શકશે.
શું છે ઓન-સ્ક્રીન માર્કિંગ અને વાલીઓના આરોપ?
ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ સ્કેન કરીને સીધી કમ્પ્યુટર સ્ક્રીન પર તપાસવામાં આવે છે. CBSE નો દાવો હતો કે આનાથી રિઝલ્ટ ઝડપથી તૈયાર થશે અને કોઈ ભેદભાવ નહીં થાય. પરંતુ સિસ્ટમ લાગુ થતા જ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને ધાર્યા કરતા ઘણા ઓછા માર્ક્સ મળ્યા છે. અમુક કિસ્સાઓમાં તો એવું પણ સામે આવ્યું કે કમ્પ્યુટર પર જે સ્કેન થયેલી ઉત્તરવહી હતી તે તેમની પોતાની હતી જ નહીં! આ સિવાય ખરાબ સ્કેનિંગ, ટેકનિકલ ખામીઓ અને ચેકિંગમાં થયેલી ભૂલોને કારણે વાલીઓમાં ભારે રોષ છે.
આ પણ વાંચોઃ સીબીએસઈ ધોરણ 10 માટે મોટો નિર્ણય: પ્રથમ બોર્ડ પરીક્ષા ફરજિયાત, જાણો નવા નિયમો
સંસદીય સમિતિએ અધિકારીઓનો ઉધડો લીધો
આ મામલે શિક્ષણ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં પણ ભારે હોબાળો થયો હતો. સમિતિના અધ્યક્ષ દિગ્વિજય સિંહે CBSE ચેરમેન અને સચિવને સવાલો કરતા પૂછ્યું કે, "આટલી ઉતાવળમાં નવી સિસ્ટમ કેમ લાગુ કરી? 1 વર્ષ પછી પૂરી તૈયારી સાથે આ સિસ્ટમ લાગુ ન કરી શક્યા હોત? શું તમે બાળકોના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છો?" તેમણે બંને અધિકારીઓ પાસે લેખિતમાં ખુલાસો પણ માંગ્યો છે.
વિદ્યાર્થીએ પોલ ખોલી તો સાંસદોએ કર્યા કટાક્ષ
સૌથી ચોંકાવનારી વાત એ રહી કે આ બેઠકમાં 1 વિદ્યાર્થીને પણ બોલાવાયો હતો, જેણે ખુદ અધિકારીઓની સામે સિસ્ટમની અનેક ખામીઓ ખુલ્લી પાડી હતી. આ સાંભળીને ભાજપના સાંસદ ભીમ સિંહે અધિકારીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, "જો તમારાથી બરાબર કામ ન થતું હોય, તો આ વિદ્યાર્થીને જ તમારો આસિસ્ટન્ટ બનાવી દો, તમારું કામ સહેલું થઈ જશે."
બીજી તરફ સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે પણ સવાલ કર્યો કે, "જે કંપની પાસે યોગ્ય માહિતી કે અનુભવ નહોતો તેને કોન્ટ્રાક્ટ કેમ આપ્યો? શિક્ષકોને અગાઉથી ટ્રેનિંગ કેમ ન આપી?" તેમણે આ બેદરકારી માટે જવાબદાર કંપની અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચોઃ CBSE Board Exam 2026: સીબીએસઈ 10-12મા ધોરણના ટાઈમ ટેબલમાં મોટો ફેરફાર, નવી તારીખો જાહેર





















