ચિરાગ પાસવાન બન્યો બિહાર LJPનો અધ્યક્ષ, ટૂંક સમયમાં મળી શકે છે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી
abpasmita.in | 24 Sep 2019 10:11 PM (IST)
ચિરાગ પાસવાન બીજી વખત બિહારની જમુઈ લોકસભાથી સાંસદ બન્યો છે. તેને પાર્ટીમાં પિતાનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાને આજે તેના પુત્ર ચિરાગ પાસવાનને પાર્ટીના બિહારના કાર્યવાહક અધ્યક્ષ જાહેર કર્યા હતા. જેના કારણે પાર્ટીમાં ટૂંક સમયમાં વારસાગત બદલાવ જોવા મળે તેવી શક્યતા છે. ચિરાગ પાસવાનને તેના પિતાના સ્થાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવે તેવી પણ અટકળો હાલ થઈ રહી છે. આ અંગે જાણકારી આપતા રામ વિલાસ પાસવાને કહ્યું કે, 28 નવેમ્બરે પાર્ટીના સ્થાપના દિવસ સમારોહમાં નેતૃત્વ અંગે નિર્ણય લેવાશે. નવી પેઢી પાર્ટીનું સુકાન સંભાળવા આગળ આવશે તે નક્કી છે. એલજેપીના બિહાર એકમના કાર્યવાહક અધ્યક્ષ તરીકે ચિરાગ પાસવાન તેના કાકા પશુપતિ કુમાર પારસનું સ્થાન લેશે. ચિરાગ પાસવાન બીજી વખત બિહારની જમુઈ લોકસભાથી સાંસદ બન્યો છે. તેને પાર્ટીમાં પિતાનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે.