Sourav Das CJP: રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીના મુદ્દે સર્જાયેલો રાજકીય ગરમાવો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) ના પ્રવક્તા સૌરવ દાસને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત થતાંની સાથે જ તેમણે આંદોલનને વધુ તેજ બનાવવાનો સંકેત આપ્યો છે.
સૌરવ દાસે સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે દિલ્હીને જાણે એક કિલ્લામાં ફેરવી નાખ્યું છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા દેશના પોતાના જ નાગરિકો સામે વર્ચ્યુઅલ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવતા સૌરવ દાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સરકારના અસ્તિત્વને ટકાવી રાખવામાં ચૂંટણી પંચના વડાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે હવે દેશભરમાં અવાજ ઉઠી રહ્યો છે.
પોતાના નિવેદનમાં તેમણે આગળ ઉમેર્યું કે નાગરિકોના લોકતાંત્રિક અધિકારોને દબાવવા માટે બળપ્રયોગ અને ધાકધમકીનો જે બેફામ ઉપયોગ થયો છે, તેણે શાસકોનો સાચો ચહેરો ખુલ્લો પાડી દીધો છે. પરંતુ દેશની યુવા પેઢી અન્યાય સામે ચૂપ બેસશે નહીં અને સરકાર પાસેથી સંપૂર્ણ જવાબદેહી માંગીને જ રહેશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે અમે કોઈનાથી ડરવાના નથી કે પીછેહઠ કરવાના નથી. પોલીસ કાર્યવાહી બાદ અમે થોડા સમય માટે પાછળ હટ્યા હતા, પરંતુ હવે અમે બમણી તાકાત અને નવા ઉત્સાહ સાથે મેદાનમાં પાછા ફરી રહ્યા છીએ.
બીજી તરફ, CJP સંગઠને જાહેરાત કરી છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પોતાના પદેથી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની કથિત ગેરરીતિઓ સામેનો વિરોધ ચાલુ જ રહેશે. આ વિરોધના ભાગરૂપે સંગઠને રવિવારે સવારે 10 વાગ્યે જંતર-મંતર પર ફરીથી વિશાળ પ્રદર્શન યોજવાનું એલાન કર્યું છે.
શનિવારે થયેલી અટકાયતો બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં CJP ના રાષ્ટ્રીય સંગઠન પ્રભારી અજિંક્ય શિંદેએ પણ લડાયક મિજાજ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે કાર્યકરો, આગેવાનો અને રાજકીય નેતાઓની અટકાયત કરીને આ આંદોલનને ક્યારેય દબાવી શકાશે નહીં.
રવિવારના આયોજિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે પણ એડવાઈઝરી જારી કરી છે. ટ્રાફિક પોલીસે નવી દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હીના વિસ્તારોમાં વાહનવ્યવહાર પર સંભવિત પ્રતિબંધો અને ડાયવર્ઝન અંગે લોકોને અગાઉથી ચેતવણી આપી છે, જેથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે.
