મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, "મારો દમદાર અને દિલદાર મિત્ર જતો રહ્યો. અજિત પવારનું નિધન મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. આ મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ છે."
મુખ્યમંત્રી ફડણવીસે બીજું શું કહ્યું ?
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, "અજિતના નિધનથી પવાર પરિવારને મોટો ફટકો પડ્યો છે. મેં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આ ઘટના વિશે જાણકારી આપી છે. અજિત પવારે મહારાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ સંઘર્ષ કરનારા નેતા હતા. અજિતના નિધનના કારણે મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે."
આ હૃદયદ્રાવક છે, મારું હૃદય સુન્ન થઈ ગયું: ફડણવીસ
મુખ્યમંત્રી ફડણવીસે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું, "દાદા જતા રહ્યા! એક જમીન સાથે જોડાયેલા નેતા, મારા મિત્ર અને સાથી, નાયબ મુખ્યમંત્રી અજિત દાદા પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન હૃદયદ્રાવક છે. મારું હૃદય સુન્ન થઈ ગયું છે. મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી."
તેમણે કહ્યું, "મેં એક મજબૂત અને સારા મિત્ર ગુમાવ્યા છે. આ મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે. આ એક એવું નુકસાન છે જેની ભરપાઈ થઈ શકતી નથી. આજનો દિવસ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મુશ્કેલ છે. હું દાદાને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના સમગ્ર પરિવાર અને NCP પરિવારના દુઃખમાં સહભાગી છીએ. આ અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે. અમે તેમના પરિવારોના દુઃખમાં પણ સહભાગી છીએ."
મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે કહ્યું, "મેં મારા તમામ કાર્યક્રમો રદ કર્યા છે. હું ટૂંક સમયમાં બારામતી જવા માટે રવાના થઈ રહ્યો છું."
મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. વિમાનમાં સવાર 5 લોકોના મોતની DGCAએ કરી પુષ્ટી કરી હતી. ડીજીસીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા છે.
