Emergency Landing of Flight : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફ્લાઈટનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે ફ્લાઈટને ભોપાલમાં લેન્ડ કરવી પડી હતી. બંને નેતાઓ વિપક્ષી દળોની બેઠકમાં હાજરી આપીને ચાર્ટર્ડ પ્લેન દ્વારા બેંગલુરુથી દિલ્હી પરત ફરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને રાત્રે 9.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી માટે રવાના થઈ શકે છે.


રાહુલ ગાંધીના અંગત સ્ટાફે ભોપાલમાં વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની પુષ્ટિ કરી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અને સંગઠન પ્રભારી રાજીવ સિંહે જણાવ્યું હતું કે, ધારાસભ્ય આરિફ મસૂદ, પીસી શર્મા એરપોર્ટ પર પહોંચી ગયા છે. રાહુલ-સોનિયા ભોપાલ એરપોર્ટના વીઆઈપી લોન્જની અંદર છે.


વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લીધો હતો


બંને નેતાઓ સોમવારે શરૂ થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા બેંગલુરુ ગયા હતા. આ બેઠક મંગળવારે પૂરી થઈ છે. આ બેઠકમાં 26 વિપક્ષી દળોએ આગામી લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) નામના નવા ગઠબંધનની જાહેરાત કરી છે.


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું


આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ કહ્યું હતું કે, આ ઈન્ડિયા 2024માં બીજેપીના નેતૃત્વવાળી એનડીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવશે. આ બેઠક બાદ યોજાયેલી જોઈન્ટ પીસીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઠબંધનના આ નામનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હવે લડાઈ ઈન્ડિયા અને પીએમ મોદી વચ્ચે છે અને કોણ જીતશે તે કહેવાની જરૂર નથી.


આગામી બેઠક મુંબઈમાં યોજાશે


તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ ઈન્ડિયા સામે ઊભું થાય છે, ત્યારે તમે જાણો છો કે કોણ જીતે છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, વિરોધ પક્ષોની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. તેમણે કહ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે, અમે એક એક્શન પ્લાન તૈયાર કરીશું. જ્યાં અમને અમારી વિચારધારા વિશે જણાવવામાં આવશે અને અમે દેશ માટે શું કરવાના છીએ.


બીજી તરફ વિપક્ષના નેતાના સવાલ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આ ગઠબંધનના સંયોજક અને સંકલન સમિતિના સભ્યો મુંબઈમાં યોજાનારી આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે.


https://t.me/abpasmitaofficial