ચંડીગઢઃ પંજાબ કોગ્રેસમાં ફરી ઘમાસાણ શરૂ થઇ ગયું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ 40 ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ પાર્ટીએ શનિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે પાંચ વાગ્યે યોજાશે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બપોરે બે વાગ્યે બેઠક યોજવા જઇ રહ્યા છે. સૂત્રોના મતે કોગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને મુખ્યમંત્રીનું પદ છોડવાનું કહ્યું છે. સૂત્રોએ કહ્યું કે આજે કોગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવા પર મુખ્યમંત્રી અમરિંદર નારાજ છે. કેપ્ટનથી નારાજ 40 ધારાસભ્યોએ હાઇકમાન્ડને પત્ર લખીને બેઠક બોલાવવાની માંગ કરી હતી.



સૂત્રોના મતે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહએ સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્ધારા તેઓને વિશ્વાસમાં લીધા વિના કોગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવા પર વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જો આવી જ રીતે તેઓને નજરઅંદાજ કરવામાં આવશે તો તેઓને મુખ્યમંત્રી પદ પર રહેવામાં કોઇ ઇચ્છા નથી. સિંદ્ધુના સમર્થક ધારાસભ્યો કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા છે. સૂત્રોના મતે નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ અથવા સુનીલ જાખડનું નામ આગામી ધારાસભ્ય દળ નેતાના રૂપમાં આગળ કરી શકે છે.  પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યોની બેઠકમાં સામેલ રહી શકે છે.




માનવામાં આવી રહ્યું છે કે આજે કોગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવશે કે અમરિંદર ચૂંટણી સુધી પંજાબના મુખ્યમંત્રી રહેશે કે નહીં. આ અગાઉ હરિશ રાવતે કહ્યું હતું કે આગામી ચૂંટણી કેપ્ટન અમરિંદર સિંહની આગેવાનીમાં જ લડવામાં આવશે. કોગ્રેસ ધારાસભ્ય દળની બેઠક અગાઉ પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ચંડીગઢમાં કોગ્રેસ ભવન પહોંચ્યા છે.


કોગ્રેસ ધારાસભ્યોની બેઠક પર પંજાબ કોગ્રેસ મહાસચિવ પરગત સિંહે કહ્યું કે, પાર્ટીમાં કોઇ કલહ નથી. આજે પાર્ટીની પોલિસી પર ચર્ચા માટે બેઠક બોલાવી છે. જ્યારે ધારાસભ્ય રાજ કુમાર વેરકાએ કહ્યું કે, બેઠકમાં હાઇકમાન્ડે લીધેલો નિર્ણય તમામને માન્ય રહેશે.