Prithviraj Chavan statement: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આગાહી કરી છે કે આગામી 19 ડિસેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન બદલાઈ શકે છે અને કોઈ મરાઠી વ્યક્તિ દેશનું સુકાન સંભાળી શકે છે. ચવ્હાણે આ મોટા ફેરફાર પાછળ અમેરિકામાં બની રહેલી રાજકીય ઉથલપાથલ અને કેટલાક ગુપ્ત દસ્તાવેજોના ખુલાસાને જવાબદાર ગણાવ્યા છે. જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ દાવાને સદંતર નકારી કાઢતા તેને દેશમાં ભ્રમ ફેલાવવાનું કાવતરું ગણાવ્યું છે.

Continues below advertisement

પૃથ્વીરાજ ચવ્હાણનો ચોંકાવનારો દાવો

કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે આ મહિને બીજી વખત આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અગાઉ સાંગલીમાં અને હવે પિંપરી-ચિંચવડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, "19 ડિસેમ્બરે ભારતના વડાપ્રધાન બદલાઈ જશે અને આ વખતે દેશને મરાઠી વડાપ્રધાન મળી શકે છે." ચવ્હાણે પોતાના અનુભવનો હવાલો આપતા કહ્યું કે તેઓ લાંબા સમય સુધી વડાપ્રધાન કાર્યાલય (PMO) માં કામ કરી ચૂક્યા છે, તેથી તેઓ દિલ્હી અને આંતરરાષ્ટ્રીય રાજકારણની ગતિવિધિઓને સારી રીતે સમજે છે. તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્કો શરૂ થયા છે.

Continues below advertisement

અમેરિકાનું કનેક્શન અને 'જાસૂસી કાંડ'

ચવ્હાણે ભારતીય નેતૃત્વ પરિવર્તનને અમેરિકાની ઘટનાઓ સાથે સાંકળ્યું છે. તેમના મતે, અમેરિકામાં એક વ્યક્તિ (જે ઇઝરાયલી જાસૂસ હોવાનું કહેવાય છે) એ ઘણા મોટા નેતાઓના અંગત નિવાસસ્થાનોમાં છૂપા કેમેરા લગાવીને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.

નવો કાયદો: ચવ્હાણે દાવો કર્યો કે અમેરિકામાં એક નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે, જેના હેઠળ 19 ડિસેમ્બરે આ સ્ટિંગ ઓપરેશન સાથે સંકળાયેલા મોટા નેતાઓના નામ જાહેર થઈ શકે છે.

એપસ્ટેઇન ફાઇલ્સ: તેમણે કુખ્યાત 'જેફરી એપસ્ટેઇન ફાઇલ્સ'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં ડેમોક્રેટિક કમિટીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપસ્ટેઇનના ફોટા જાહેર કર્યા હતા, જેનાથી અમેરિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ચવ્હાણનું માનવું છે કે આ ખુલાસાઓની અસર ભારતીય રાજકારણ પર પણ પડશે.

ભાજપે કહ્યું - "આ માત્ર ભ્રમ ફેલાવવાની સાઝિશ"

ભાજપે પૃથ્વીરાજ ચવ્હાણના આ દાવાઓને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકામાં જે પણ ઘટનાઓ ઘટી રહી છે કે દસ્તાવેજો જાહેર થઈ રહ્યા છે, તેનો ભારત સરકાર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી.

ભાજપનો પ્રશ્ન: ભાજપે સવાલ ઉઠાવ્યો છે કે અમેરિકાના દસ્તાવેજો ભારતના વડાપ્રધાનને કેવી રીતે બદલી શકે?

આરોપ: સત્તાધારી પક્ષે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ નેતા જાણીજોઈને વડાપ્રધાન મોદીની છબી ખરડવા અને દેશમાં અસ્થિરતાનો માહોલ ઉભો કરવા માટે આવી પાયાવિહોણી અફવાઓ ફેલાવી રહ્યા છે.