Rahul Gandhi Amethi Lok Sabha Seat: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમની પરંપરાગત બેઠક અમેઠી પરથી ભાજપના નેતા સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતાં. પરંતુ હજી પણ રાહુલ ગાંધીના દિલમાં અમેઠી વસી રહ્યું હોવાનું જણાઈ આવે છે. સાથે જ તેમણો ભવિષ્યનો પ્લાનને લઈન પણ ગર્ભિત ઈશારો કરે છે. 


જનતાનો સ્નેહ ભલે ઓછો થયો હોય, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ગઢ અમેઠી પ્રત્યેનો પ્રેમ જાળવી રાખ્યો છે. અમેઠીના પૂર્વ સાંસદને આજે પણ અહીંના લોકો એટલો જ પ્રેમ કરે છે જેટલો તેઓ 2019માં ચૂંટણી હાર્યા પહેલા કરતા હતા. આ જ કારણ છે કે તેઓ દર શિયાળામાં અમેઠીના લોકોને ચોક્કસપણે યાદ કરે છે. આ વખતે પણ તેમણે 20,000 ધાબળાનો માલ મોકલ્યો છે, જેનું ગરીબોમાં વિતરણ કરવામાં આવ્યું છે.


અમેઠીના લોકો માટે રાહુલ ગાંધીનો પ્રેમ સમય સમય પર પ્રતિબિંબિત થાય છે. અગાઉ કોરોનાના સમયગાળા દરમિયાન પણ તેમણે અમેઠીના રહેવાસીઓ માટે દવાઓ, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય ઘણી જરૂરી વસ્તુઓ મોકલી હતી. હવે સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ પ્રેમ 2024ની લોકસભા ચૂંટણી માટે સંકેત છે? જો કે, કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે ટ્વિટ કર્યું હતું કે, રાહુલ ગાંધીએ આ ધાબળા એટલા માટે મોકલ્યા છે કારણ કે અમેઠી તેમના માટે ઘર અને પરિવાર છે, બીજા કોઈની જેમ માત્ર વોટ બેંક નથી.


શું રાહુલ ગાંધી 2024માં અમેઠીથી ચૂંટણી લડશે?


જો કે, આ અગાઉ પણ ઘણી વખત આ બાબતેના સંકેતો જોવા મળ્યા છે. વર્ષ 2021માં પણ રાહુલ અને પ્રિયંકાએ અમેઠીની મુલાકાત લીધી હતી અને 'ભાજપ ભગાઓ-મહંગાઈ હટાઓ' જેવા નારા સાથે અહીંયા પ્રવાસ કર્યો હતો. હવે આ અંગે તાજેતરમાં કોંગ્રેસ નેતા અજય રાયનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી ફરી લડશે.


આ અંગે અનેક વખત કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછવામાં આવ્યા છે, પરંતુ આ પહેલા કોઈ નેતાએ આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. જ્યારે રાહુલ ગાંધીના મનની વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, દોઢ વર્ષ પછી નિર્ણય લેવામાં આવશે કારણ કે અત્યારે તેમનું સમગ્ર ધ્યાન ભારત જોડો યાત્રા પર છે.


2019માં રાહુલ ગાંધીથી થઈ હતી કારમી હાર


મોદી લહેર કહો કે લોકોનો બદલાતો પ્રેમ... રાહુલ ગાંધી માટે આ હાર અનેક રીતે સૌથી મોટી હાર હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 54,731 મતોની સરસાઈથી જીત્યા હતાં. આ સીટ પરથી સ્મૃતિને કુલ 4,67,598 વોટ મળ્યા હતાં અને રાહુલ ગાંધીને 4,12,867 વોટ મળ્યા હતાં.


બીજી તરફ 2014ની વાત કરીએ તો રાહુલ ગાંધીએ અહીં સ્મૃતિ ઈરાનીને શરમનકનક પરાજય આપ્યો હતો. રાહુલે તેમને એક લાખ કરતા પણ વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. આ ચૂંટણીઓમાં રાહુલને 4,08,651 વોટ મળ્યા અને સ્મૃતિને 3,00,748 વોટ મળ્યા. હવે જોવાનું એ રહેશે કે શું રાહુલ પોતાનો પ્રેમ અકબંધ રાખીને ફરી એકવાર અહીંથી ચૂંટણી લડશે કે પછી અમેઠીને હંમેશા માટે અલવિદા કરી દેશે.