Rahul Gandhi Attacks PM Modi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અદાણી કેસ પર લોકસભામાં પોતાના ભાષણ પર અડગ છે. વાયનાડમાં એક કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે પીએમ મોદી લોકસભામાં બોલી રહ્યા હતા ત્યારે પાણી પીતા પીતા તેમના હાથ ધ્રૂજી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, જ્યારે હું બોલતો હતો ત્યારે મારો ચહેરો જોયો હતો ને અને જ્યારે તે બોલતા હતા ત્યારે તેનો ચહેરો જોજો. સત્ય હંમેશા બહાર આવે છે. અમે ડરીશું નહીં તેમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
રાહુલ ગાંધીએ આજે લોકસભામાં તેમના ભાષણને લઈને ઉભા થયેલા વિવાદને લઈને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંસદમાં મારા ભાષણના કેટલાક અંશો હટાવી દેવામાં આવ્યા હતા. મેં કોઈનું અપમાન કર્યું નથી. મેં જે કહ્યું તેના સંદર્ભમાં મને પુરાવા બતાવવા માટે કહેવામાં આવ્યું અને મેં લોકસભા અધ્યક્ષને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે પુરાવા સાથે દરેક મુદ્દાને સ્પષ્ટ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું આશા રાખતો નથી કે મારા શબ્દો રેકોર્ડ પર જવા દેવામાં આવશે. દેશના પીએમ સીધું મારું અપમાન કરે છે, પરંતુ તેમના શબ્દોને રેકોર્ડ પરથી નથી હટાવવામાં આવતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, તમારું નામ ગાંધી કેમ છે, નેહરુ કેમ નહીં?
પાણી પીતા પીએમ મોદીના હાથ ધ્રૂજતા હતાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, સત્ય હંમેશા બહાર આવે જ છે. જ્યારે હું બોલી રહ્યો હતો ત્યારે તમારે ફક્ત મારો ચહેરો અને તેમનો (પીએમ મોદી) ચહેરો જોવાનો હતો. જુઓ પીએમ મોદીએ કેટલી વાર પાણી પીધું અને પાણી પીતી વખતે તેમના હાથ કેવી રીતે ધ્રૂજતા હતા.
એક દિવસ પીએમ મોદીએ સત્યનો સામનો કરવો પડશે - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, PM માને છે કે તેઓ ખૂબ શક્તિશાળી છે અને લોકો તેમનાથી ડરી જશે. પણ પીએમને એ ખબર નથી કે હું જે છેલ્લી વસ્તુથી ડરૂ છું તે છે નરેન્દ્ર મોદીનો ડર. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તે ભારતના પીએમ છે, કારણ કે એક દિવસ તેઓ પોતાના સત્યનો સામનો કરવા મજબૂર થશે.