Defamation Case : ગુજરાતની સૂરત કોર્ટ દ્વારા મોદી અટકને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બદલ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પર આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે દોષિત ઠેરવી રાહુલ ગાંધીનું સંસદ પદ છીનવી લેવાની ઘટનાના પડઘા હજી શાંત નથી પડ્યા ત્યાં તેમના સામે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને વિધાનસભા ચૂંટણી સંબંધિત એક જાહેરાતના સંબંધમાં નોટિસ ફટકારી છે. 


કોર્ટે તમામને 27મી જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન રેટ કાર્ડ કૌભાંડ નામની જાહેરાત ચલાવી હતી. હાલના કેસમાં ભાજપ દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સરકાર પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવતા ભાજપે હાલના કેસમાં કોર્ટમાં ધા નાખી હતી.


ભાજપ દ્વારા દાખલ કરાયેલા કેસમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી બેંગલુરુના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં થઈ હતી. વિશેષ ન્યાયાધીશે આઈપીસીની કલમ 499 (બદનક્ષી) અને કલમ 500 (બદનક્ષી માટેની સજા) હેઠળ આ મામલાની નોંધ લીધી હતી. જે બાદ તમામ આરોપીઓ સામે 27 જુલાઈ માટે પ્રોડક્શન વોરંટ જારી કરવામાં આવ્યું હતું.


શું છે સમગ્ર મામલો? 


ભાજપના રાજ્ય સચિવ એસ કેશવ પ્રસાદ દ્વારા 9 મેના રોજ ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, જાહેરાતોમાં ખોટા દાવા કરીને પાર્ટીને બદનામ કરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, KPCCએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા 5 મેના રોજ અગ્રણી અખબારોમાં એક જાહેરાત પ્રકાશિત કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યની તત્કાલીન ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી છે અને છેલ્લા ચાર વર્ષમાં 1.5 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે. બીજેપી સેક્રેટરીનું કહેવું છે કે, આ જાહેરાતમાં KPCC દ્વારા કરવામાં આવેલા દાવાઓ પાયાવિહોણા અને પૂર્વગ્રહયુક્ત છે. આ જ કારણ છે કે આ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.


BJP : "રાહુલજી, મેનકાને અડધી રાત્રે ઘરમાંથી તગેડ્યા, વરૂણના લગ્નમાં ના ગયા.. આ છે મહોબ્બત?"


રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનને લઈને ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. બીજેપી સાંસદો દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમારી મહોબ્બતની દુકાન વિશે સાંભળીને આનંદ થયો. ખરેખર, મહોબ્બતમાં પરસ્પર જોડાણની લાગણી હોવી છે. જેને અનુસરીને આપણે સમાજ અને દેશને વધુ સશક્ત બનાવી શકીએ છીએ. જો કોંગ્રેસ ખરેખર આ સકારાત્મક વિચારસરણીને અનુસરે તો કેટલું સારું. આ પત્રમાં સાંસદોએ લખ્યું છે કે, તે ખૂબ જ દુઃખદ છે કે તમારી કથની અને કરણીમાં ઘણો તફાવત છે. આ સાથે આ પત્રમાં અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.