Ravindra Dhangekar: મહારાષ્ટ્ર કોંગ્રેસને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પુણેના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા રવિન્દ્ર ધાંગેકર આજે શિવસેનામાં સામેલ થઈ ગયા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં વિધિવત રીતે શિવસેનાનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. રવિન્દ્ર ધાંગેકરના કોંગ્રેસ છોડવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી, અને આખરે તેમણે આજે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે.


રવિન્દ્ર ધાંગેકર વર્ષ 2023માં કસ્બા વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા, જે કોંગ્રેસ માટે એક મોટી જીત માનવામાં આવતી હતી. જો કે, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપના મુરલીધર મોહોલ સામે હારી ગયા હતા. ત્યાર બાદ, 2024ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ કસ્બા બેઠક પરથી ભાજપના હેમંત રાસને સામે પરાજિત થયા હતા, જેમને તેમણે એક વર્ષ પહેલા પેટાચૂંટણીમાં હરાવ્યા હતા. આજે બપોરે ધાંગેકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને સાંજ સુધીમાં શિવસેનામાં જોડાઈને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો.


કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રવિન્દ્ર ધાંગેકરે જણાવ્યું હતું કે તેઓ આજે સાંજે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવાના છે અને ત્યારબાદ શિવસેનામાં જોડાવાનો અંતિમ નિર્ણય લેશે. તેમણે કોંગ્રેસ છોડવા અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "કોંગ્રેસ છોડવું મારા માટે પીડાદાયક છે. ગત ચૂંટણીમાં મારા માટે ઘણા લોકોએ ખૂબ મહેનત કરી હતી, પરંતુ મારા સમર્થકો અને મતદારોની એવી લાગણી છે કે મારે એવો નિર્ણય લેવો જોઈએ જેનાથી (કસ્બા) વિસ્તારમાં વિકાસના કાર્યો શક્ય બને." ધાંગેકરે વિકાસના કામોને પ્રાથમિકતા આપવા માટે શિવસેનામાં જોડાવાનો સંકેત આપ્યો હતો.


ધાંગેકરે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં તેમની મુલાકાત એકનાથ શિંદે અને શિવસેનાના મંત્રી ઉદય સામંત સાથે થઈ હતી, અને તેઓએ તેમને સાથે મળીને કામ કરવાની ઓફર આપી હતી. તેમણે કહ્યું હતું કે, "અમારા સમર્થકો અને મતદારો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે નક્કી કર્યું કે આપણે એકનાથ શિંદે સાથે જોડાવું જોઈએ. હું આજે તેમને મળીશ અને અંતિમ નિર્ણય લઈશ." અને આખરે તેમણે શિવસેનામાં જોડાઈને પોતાના રાજકીય ભવિષ્યનો નવો માર્ગ પસંદ કર્યો છે.


રવિન્દ્ર ધાંગેકર શિવસેનામાં જોડાતા


મહારાષ્ટ્રના રાજકારણમાં હાલમાં પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના ઘણા નેતાઓ મહાયુતિ ગઠબંધનમાં સામેલ પક્ષો જેવા કે ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)માં જોડાઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે મહા વિકાસ આઘાડીમાં રહેલા નેતાઓને નજીકના ભવિષ્યમાં કોઈ ખાસ રાજકીય લાભ દેખાઈ રહ્યો નથી. આ સાથે મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોમાં આંતરિક મતભેદો પણ જોવા મળી રહ્યા છે. જેના કારણે જે નેતાઓને તાત્કાલિક રાજકીય ફાયદો દેખાય છે તેઓ શિવસેનામાં જોડાઈ રહ્યા છે, અને જે નેતાઓને લાંબા ગાળાના રાજકીય લાભની અપેક્ષા છે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. રવિન્દ્ર ધાંગેકરનું શિવસેનામાં જોડાવું એ કોંગ્રેસ માટે વધુ એક મોટો ફટકો માનવામાં આવે છે, અને મહારાષ્ટ્રના રાજકારણમાં આગળ શું થશે તે જોવું રસપ્રદ રહેશે.


આ પણ વાંચો....


તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે