રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. વિપક્ષ સાથે જોડાયેલા કેટલાક પક્ષોએ અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા શરૂ કરી દીધી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સહમતિ બની નથી. આગામી એક-બે દિવસમાં આ અંગે સર્વસંમતિ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
સોમવારે રાજ્યસભામાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસના ટોચના નેતાઓ પર અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ સાથે મળી દેશને અસ્થિર કરવા માટે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો. કાર્યવાહી દરમિયાન, અધ્યક્ષ જગદીપ ધનખડે ભારતની એકતા અને સાર્વભૌમત્વ માટે આંતરિક અને બાહ્ય જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ચેતવણી આપી હતી કે "ડીપ સ્ટેટ" નો પ્રભાવ "કોવિડ બીમારી કરતા પણ વધુ ઘાતક છે."
સંસદના શિયાળુ સત્રની બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. વિપક્ષી સાંસદોએ વારંવાર સ્પીકર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષે તેમના પર ગૃહમાં પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષો બંધારણની કલમ 67(B) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં પોતાના હસ્તાક્ષર આપ્યા છે.
રાજ્યસભાની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવામાં આવી
રાજ્યસભામાં સોમવારે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર હોબાળો થયો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કર્યા પછી લગભગ 3.10 વાગ્યે આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. NDA સભ્યએ કોંગ્રેસ અને તેના નેતાઓ પર વિદેશી સંગઠનો દ્વારા દેશની સરકાર અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો અને આ મુદ્દે ચર્ચાની માંગ કરી. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષોએ અદાણી જૂથને લગતો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત
સ્થગિત કર્યા પછી જ્યારે ગૃહની ફરી બેઠક મળી ત્યારે વિપક્ષી સભ્યોએ અદાણી જૂથ સંબંધિત મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક સભ્યો પોતાની બેઠક પરથી આગળ વધી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેના કારણે ગૃહમાં વાતાવરણ તંગ બની ગયું હતું. હોબાળા વચ્ચે, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે ગૃહના નેતા જેપી નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે તેમની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી, જેમાં અન્ય ઘણા વરિષ્ઠ સભ્યો પણ હાજર હતા. અધ્યક્ષે કહ્યું કે મંગળવારે સવારે ફરી આ નેતાઓ સાથે બેઠક થશે. તેમણે સભ્યોને ગૃહને સુચારૂ રીતે ચાલવા દેવા વિનંતી કરી, પરંતુ તેમ છતાં હોબાળો ચાલુ રહ્યો. અંતે બપોરે 3.10 કલાકે અધ્યક્ષે રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી હતી.