Conrad Sangma Swearing In Ceremony: કોનરાડ સંગમાએ બીજી વખત મેઘાલયના સીએમ તરીકે શપથ લીધા છે. તેમના શપથ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.






મેઘાલય વિધાનસભા ચૂંટણી 2023 માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડની સાથે મેઘાલયમાં ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર કરાયા હતા. મેઘાલયમાં  કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 26 બેઠકો જીતી હતી.






બે ડેપ્યુટી સીએમએ શપથ લીધા


રાજધાની શિલોંગમાં કોનરાડ સંગમાની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં બે ડેપ્યુટી સીએમએ પણ શપથ લીધા હતા. પ્રેસ્ટન ટાઇનસોંગ અને સ્નિયાવભાલંગ ધરને મેઘાલયના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.






અબુ તાહિર મોંડલ, કિરમેન શાયલા, માર્ક્વિસ એન મારક અને રક્મા એ સંગમાએ મેઘાલય સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. આ સાથે એલેક્ઝાન્ડર લાલુ હેક, ડૉ. એમ. એમ્પારીન લિંગદોહ, પૌલ લિંગદોહ અને કૉમિંગોન યંમ્બોન, શકલિયર વર્જરીએ પણ મંત્રી તરીકે શપથ લીધા.


45 ધારાસભ્યોનું સમર્થન


કોનરાડ સંગમાએ ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ માટે તેમણે 22 ધારાસભ્યોના હસ્તાક્ષર કરેલો સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો. બાદમાં, તેમને યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના 11 ધારાસભ્યો અને પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટના 2 વધુ ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું. આ રીતે સંગમાને 45 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.