નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર હાલ ખતમ થવા થઈ રહી છે. જ્યારે આ લહેર પિક પર હતી ત્યારે કોરોના કેસ અને મોતનો આંકડો ડરામણો હતો. પરંતુ હવે ત્રીજી લહેરની પણ વૈજ્ઞાનિકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. કોવિડ 19 સંબંધિત એક સરકારી સમિતિનાં વૈજ્ઞાનિકે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે, સુત્ર મોડેલ કે ગાણિતીક અનુમાનમાં સામેલ મનિંદ્ર અગ્રવાલ કોવિડ 19 કેસનાં મોડલિંગ અંગેની એક સરકારી સમિતિનાં સભ્ય છે, તેમણે જણાવ્યું કે જો કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરવામાં નહીં આવે તો ત્રીજી લહેર ફેલાઇ શકે છે. તેમના અનુમાનમાં ત્રણ પરિદ્રશ્ય છે, આશાવાદી, મધ્યવર્તી અને નિરાશાવાદી.
તેમના અનુમાન મુજબ કોરોના વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે તેની ચરમસીમા પર પહોંચી શકે છે, જો કે બીજી લહેર કરતા દૈનિક કેસો અડધા જ જોવા મળી શકે છે, તેમણે કહ્યું કે જો કોરોના વાયરસનો કોઇ નવો વેરિયેન્ટ ઉત્પન્ન થાય તો ત્રીજી લહેર ફેલાઇ શકે છે. દેશમાં 4 નવેમ્બરના રોજ દિવાળી છે.
“અમે ત્રણ પરિદૃશ્યો બનાવ્યાં છે. એક આશાવાદી છે. આમાં, અમે માની લઈએ છીએ જો કોઇ નવો મ્યુટેન્ટ ન આવે તો, ઓગસ્ટ સુધીમાં જનજીવન સામાન્ય થઈ જશે, બીજું 'મધ્યવર્તી છે. આમાં અમે માનીએ છીએ કે રસીકરણ આશાવાદી દૃશ્ય ધારણાઓ કરતા 20 ટકા ઓછું અસરકારક રહે છે તો. જ્યારે ત્રીજું પરિદ્રશ્ય ભયાનક છે તે મુજબ 25 ટકાથી વધુ સંક્રામક મ્યુટેન્ટ ફેલાય છે, તો ત્રીજી લહેર આવી શકે છે, વૈજ્ઞાનિકે કહ્યું કે 'નિરાશાવાદી દૃશ્યની સ્થિતિમાં, ત્રીજી લહેર દેશમાં કેસ વધીને 1,50,000 થી 2,00,000 થઇ શકે છે. જો કે તેમણે તે પણ જણાવ્યું કે જેટલું ઝડપથી રસીકરણ અભિયાન આગળ વધશે, ત્રીજી અને ચોથી લહેરની આશંકા ઓછી થઇ જશે.
આઇઆઇટી-હૈદરાબાદના વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગર, જે કોવિડ કેસો અંગેના આ મોડેલિંગમાં પણ સામેલ છે, તેમણે જણાવ્યું કે ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘટી શકે છે. તેમણે બ્રિટનનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં જાન્યુઆરીમાં 60,000 થી વધુ કેસ નોંધાયા હતા, જેમાં દૈનિક મૃત્યુની સંખ્યા 1,200 હતી. જો કે, ચોથી લહેર દરમિયાન, તે સંખ્યા ઘટીને 21,000 થઈ અને મોત ફક્ત 14 થયાં.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43.071 નવા કેસ આવ્યા હતા અને 52,299 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 955 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 3 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 12 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ 87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18 લાખ 38 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 5 લાખ 45 હજાર 433
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 96 લાખ 58 હજાર 78
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 85 હજાર 350
- કુલ મોત - 4 લાખ 2 હજાર 5