Corona Cases In India:  દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર કહેર મચાવી રહ્યો હોય તેવું લાગે છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ને કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 4026 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા પાંચ લોકો પહેલાથી જ અન્ય ગંભીર રોગોથી પીડાતા હતા. આ મૃત્યુ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં થયા છે.

મહારાષ્ટ્રમાં ચિંતાજનક પરિસ્થિતિ

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ચિંતાનો વિષય છે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 873 લોકો ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 800 થી વધુ લોકો હજુ પણ સક્રિય દર્દીઓ છે. ફક્ત મુંબઈમાં 20 નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં, છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા છે રાજ્યમાં હવે 331 એક્ટિવ કેસ છે. કર્ણાટકમાં પણ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, જ્યાં 87 નવા કેસ સાથે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 311 થઈ ગઈ છે.

24  કલાકમાં 5  લોકોના મોત 

ગઈકાલે મૃત્યુ પામેલા દર્દીઓમાં કેરળના 80 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે જેમને ન્યુમોનિયા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ હતો. મહારાષ્ટ્રમાં  70 અને 73 વર્ષની બે મહિલાઓનું મૃત્યુ થયું, બંને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતી હતી. તમિલનાડુમાં 69 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું, જેમને ટાઇપ-2  ડાયાબિટીસ અને પાર્કિન્સન રોગ હતો. પશ્ચિમ બંગાળમાં 43  વર્ષીય મહિલાનું મૃત્યુ થયું, જેમને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, સેપ્ટિક શોક અને કિડની ફેલ્યોર હતો. અગાઉ, દિલ્હીમાં 60 વર્ષીય મહિલાનું પણ મૃત્યુ થયું છે, જે આંતરડાના રોગથી પીડાતી હતી અને બાદમાં કોવિડથી સંક્રમિત થઈ હતી.

સબ-વેરિઅન્ટ NB.1.8.1 ના લક્ષણો

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, હાલમાં ફેલાયેલો ચેપ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ NB.1.8.1 ને કારણે થઈ રહ્યો છે. તે ઝડપથી ફેલાય છે, પરંતુ તેની તીવ્રતા ઓછી છે. તેના લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, નાકમાંથી પાણી આવવું અને ભૂખ ન લાગવી સામેલ છે, જે સામાન્ય મોસમી ફ્લૂ જેવા જ છે. આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની વિનંતી કરી છે. 

રાજ્યો દ્વારા સાવચેતીના પગલાં

વધતા જતા કેસો વચ્ચે, કર્ણાટક સરકારે જાહેર સલાહકાર (પબ્લિક એડવાઈઝરી) જારી કરી છે. જેમાં લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, શારીરિક અંતર જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે. તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે.