Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે. છેલ્લા આઠ દિવસમાં એક દિવસને બાદ કરતાં તમામ દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 42,982 નવા કેસ નોંધાયા હતા અને 41,726 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 533 લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં 723નો વધારો થયો છે. ગઈકાલે કેરળમાં 22,414 કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3,18,12,114
- એક્ટિવ કેસઃ 4,11,076
- કુલ રિકવરીઃ 3,09,74,748
- કુલ મોતઃ 4,26,290
કેટલા ટેસ્ટ થયા
ICMRના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં 47,48,93,363 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 16,40,030 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 48 કરોડ 93 લાખ 42 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.
કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો દેશભરમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. નિષ્ણાતોએ પણ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિઅન્ટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે. વધુમાં લોકડાઉન દૂર થતાં તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે. કેરળ, તામિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તિસગઢ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે.