નવી દિલ્હીઃ કેરલ સરકારે રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 17 અને 18 જૂલાઇના બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરલમાં મંગળવારે ઝીકા વાયરસનો ચોથો કેસ નોંધાયો હતો આ સાથે રાજ્યમાં ઝીકા વાયરસના કેસની સંખ્યા વધીને 23 થઇ ગઇ છે.
મુખ્યમંત્રી પિનારાઇ વિજયનની અધ્યક્ષતામાં થયેલી બેઠક બાદ રાજ્યમાં નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. 17 અને 18 જૂલાઇ એટલે કે શનિવાર અને રવિવારે રાજ્યમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન બેન્કો પણ બંધ રહેશે. દુકાનો ખોલવા માટે એ, બી અને સી કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જરૂરી ચીજવસ્તુઓની તમામ દુકાનો ખુલ્લી રહેશે. દુકાનો રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
કેરલમાં સૌથી વધુ કેસ માલાપુરમ, એર્નાકુલમ, કોલ્લમમાં નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે કોરોનાના 14,539 નવા કેસ નોંધાયા હતા. બાદમાં કુલ કેસની સંખ્યા વધીને 30,87,673 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 124 લોકોના મોત થયા હતા આ સાથે મૃતકોની સંખ્યા વધીને 14,810 થઇ ગઇ છે.
કેરલના સ્વાસ્થ્યમંત્રી વીના જ્યોર્જે કહ્યું કે તિરવનંતપુરમની એક 16 વર્ષીય છોકરીના સેમ્પલની તપાસ બાદ તે ઝીકા વાયરસથી સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું છે. રાજ્યમાં તે સિવાય એક પ્રાઇવેટ હોસ્પિટલના એક ડોક્ટર અને બે અન્ય લોકોને પણ ઝીકા વાયરસનો ચેપ લાગ્યો હતો.
કેરલમાં કેટેગરી એમાં તમામ પ્રકારની દુકાનો અને બિઝનેસ સંસ્થાઓ ફક્ત સપ્તાહના અંતને છોડીને ખુલ્લા રહેશે. શ્રેણી બીમાં જરૂરી ચીજવસ્તુઓની તમામ દુકાનો તમામ દિવસ ખુલ્લી રહેશે. જ્યારે અન્ય દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવાર રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. શ્રેણી સીમાં જરૂરી ચીજવસ્તુઓની દુકાનો તમામ દિવસ ખુલ્લી રહેશે જ્યારે અન્ય દુકાનો ફક્ત શુક્રવારે ખુલ્લી રહેશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સપ્તાહના અંતમાં રાજ્યમાં લોકડાઉન રહેશે.