નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીની એક ફાર્મા કંપનીએ ભારતની પ્રથમ રેપિડ ટેસ્ટ કિટ તૈયાર કરી લીધી છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઈ કિટથી માત્ર 20 મિનિટમાં જ રિઝલ્ટ મળી જશે અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) તેને મંજૂરી આપી દીધી છે. કિટની કિંમત 200 રૂપિયા બતાવવામાં આવી રહી છે.


ભારતની પ્રથમ સત્તાવાર રીતે મંજૂરી મેળવનારી પોઈન્ટ ઓફ કેર (POC) રેપિડ ટેસ્ટ કિટને ઓસ્કર મેડિકેરે બનાવી છે. આ કંપની પોતાની લેબમાં ગર્ભાવસ્થા ટેસ્ટ કિટ, HIV એડ્સ, મલેરિયા અને ડેંગ્યુ માટે POC ડાયન્ગોસ્ટિક કિટ પણ બનાવે છે.

ઓસ્કર મેડિકેરના મુખ્ય કાર્યકારી અધિકારી આનંદ સેખરની જણાવ્યું કે, POC કિટ દ્વારા માત્ર 20 મિનિટમાં રિઝલ્ટ મળી જશે. કોરોના ટેસ્ટ માટે આંગળીના લોહીનું સેમ્પલ લેવામાં આવશે. કિટ સપ્ટેમ્બર સુધીમાં લોન્ચ કરવાની યોજના છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ એન્ટીબોડીના ટેસ્ટિંગ માટે સ્ટાન્ડર્ડ Q COVID-19 Agનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને RT-PCR ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું રિઝલ્ટ એક દિવસની અંદર મળી જાય છે. આ ટેસ્ટ શરીરની અંદર એન્ટીબોડીની તપાસ કરે છે.