નવી દિલ્હીઃ ભારતમાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પ્રમુખ ડો. એન.કે.અરોરાએ કોરોના વાયરસ વેક્સિનના બૂસ્ટર ડોઝને લઈ તઈ રહેલી ચર્ચા વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું,  એડિશનલ ડોઝ અને બૂસ્ટર ડોઝ આપવા પર રાષ્ટ્રીય નીતિ ટૂંક સમયમાં બનવાની સંભાવના છે. જેની જાહેરાત બે સપ્તાહમાં થઈ શકે છે.


ક્યારે આપવામાં આવે છે એડિશનલ અને બૂસ્ટર ડોઝ


ડો. અરોરાએ કહ્યું કોવિડ-19 વેક્સિનના એડિશનલ ડોઝ અને બૂસ્ટર ડોઝ બંને અલગ અલગ બાબત છે. NTAGIના ડો. અરોરાએ કહ્યું એડિશનલ ડોઝ માટે એક નિશ્ચિત સમય બાદકે  કોઈ વ્યક્તિ દ્વારા વેક્સિનેશન પૂરું કર્યા બાદ આપવામાં આવે છે. જ્યારે જેમને વેક્સિનેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ કોઈ પ્રકારની પરેશાની થવાની શકયતા વધારે હોય તેવા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. જે લોકો ઈમ્યુનોસ્પ્રેસ્ડ કે ઈમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ અવસ્થામાં હોય તેમને એડિશનલ ડોઝ આપવામાં આવે છે. અમે આગામી 10 દિવસમાં એક નવી નીતિ લઈને આવી રહ્યા છે.


આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું, 18 વર્ષથી ઓછી ઉંમરના 44 કરોડ બાળકોને રસી આપવા માટેની વ્યાપક યોજના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રાથમિકતાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કરીને સ્વસ્થ બાળકોની સાથે કોમોર્બિડિટીઝવાળા બાળકોને રસી મળી રહે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8309 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,03,859 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4350 કેસ નોંધાયા છે અને 19 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 122,41,68,929 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 42,04,171 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 7,62,268 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.



  • કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 80 હજાર 832

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 8 હજાર 183

  • એક્ટિવ કેસઃ 1 લાખ 3 હજાર 859

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 790