નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને અટકાવવા અનેક વેક્સીન નિર્માતા કંપનીઓ ડીસીજીઆઈ પાસે દેશમાં વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. જો કે, અત્યાર સુધી સરકારે કોઈ પણ વેક્સીનને લીલી ઝંડી આપી નથી. તેની વચ્ચે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વેક્સીનને લઈને આજે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, રાજ્યના તમામ લોકોને કોરોના વાયરસની વેક્સીન મફતમાં આપવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા બિહારમાં ભાજપ દ્વારા મફત વેક્સીન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય મધ્યમ પ્રદેશ, આસામ, તમિલનાડુ વગેરે રાજ્યમાં પણ મફત કોરોના વેક્સીન આપવાની વાત કહેવામાં આવી ચૂકી છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, રાજ્યના લોકોને મફત કોવિડ-19ની રસી આપવામાં આવશે. તે સિવાય વાયરસના સંક્રમણને રોકવા માટે સાવધાની વધારે રાખવાની અપીલ પણ કરી છે.

કેરળમાં શનિવારે કોરોના વાયરસના 5949 નવા કેસ નોંધાયા હતા અને વધુ 32 લોકોના મોત થયા હતા. તેની સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 6.64 લાખ થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા 2594 પર પહોંચી છે.