નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવ કુમારે મંગળવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના મામલાની કુલ સંખ્યા 50 થઈ છે. જેમાંથી 34 લોકો ભારતીય છે અને 15 વિદેશી છે, જે ઈટલીના નાગરિક છે. તેમણે કહ્યું કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કોઈ મૃત્યું નથી થયું.


પુણે જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે કહ્યું કે પુણેમાં બે અન્ય લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે.


ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે હવે કેરળમાં થિયેટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કોચ્ચિમાં અલગ-અલગ મલયાલમ થિયેટર સંગઠનોની બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે 11 માર્ચથી લઈને 31 માર્ચ સુધી રાજ્યના તમામ થિયેટર બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોના વાયરસના છ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક ત્રણ વર્ષનો બાળક પણ સામેલ છે. બાળકને અર્નાકુલમ મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.