મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 47 નવા કેસ નોંધાતા કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 537 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે રાત સુધીમાં દર્દીઓની સંખ્યા 490 હતી. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર મુંબઈમાં છેલ્લા 12 કલાકમાં 28 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગાર્ડિયન મંત્રી અસલમ શેખે પોલીસ કમિશ્રનને આદેશ આપ્યા છે કે, મુંબઈમાં કોઈ પણ વ્યક્તિ જો રસ્તા પર નમાઝ પઢે અથવા પૂજા કરે તો તેના પર પોલીસ તરત ફરિયાદ દાખલ કરે.

મહારાષ્ટ્ર સિવાય દેશની વાત કરીએ તો અત્યાર સુધી 2900થી વધુ કોરોના સંક્રમિત છે. જેમાંથી 183 દર્દીઓ સાજા થઈ ગયા છે, જ્યારે 68 લોકોના મોત થઈ ચૂક્યા છે.

કયા રાજ્યમાં કેટલા મોત ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડના અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19 લોકોનાં મોત થયા છે. જ્યારે બીજા નંબરે ગુજરાત છે. અહીં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. તે સિવાય તેલંગણામાં 7, દિલ્હીમાં 6, પંજાબમાં 5, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં 3-3, ઉત્તર પ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં 2-2 અને આંધ્રપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં 1-1 મોત થઈ છે.