નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારે પર કોરોના વિરુદ્ધની લડાઇમાં દિલ્હી સાથે સોતેલો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર દ્ધારા કોઇ પણ પ્રકારની સહાયતા રકમ નહી મળવા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમાં દિલ્હીને નજરઅંદાજ કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, કોરોના સામે લડવા અન્ય રાજ્યોને ઇમરજન્સી ફંડના રૂપમાં 17,287 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પરંતુ દિલ્હીને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. તેમણે કેન્દ્ર સમક્ષ દિલ્હી માટે ઇમરજન્સી ફંડની માંગણી કરી હતી. તેમણે કહ્યુ કે, કોરોનાના મામલામાં દિલ્હી ત્રીજુ સૌથી પ્રભાવિત રાજ્ય છે. સિસોદિયાએ નાણામંત્રી નિર્મલા સીતારમણને આ મામલે એક પત્ર પણ લખ્યો છે. સિસોદિયાએ પત્રમાં સંકટના આ સમયમાં દિલ્હીના લોકોને સમાન વ્યવહારની આશા છે.
સિસોદિયાએ ટ્વિટ કરી કહ્યું કે, મેં કેન્દ્ર સરકારને પત્ર લખી દિલ્હી માટે ઇમરજન્સી ફંડની માંગ કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સામે લડવા ઇમરજન્સી ફંડના રૂપમાં 17 હજાર કરોડ રૂપિયા આપ્યા છે પરંતુ દિલ્હીને એક રૂપિયો આપ્યો નથી. આ પ્રકારનો ભેદભાવ દુર્ભાગ્યપૂર્ણ છે.