India Coronavirus Updates: ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે.
- કુલ કેસઃ 3 કરોડ 26 લાખ 95 હજાર 30
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 18 લાખ 88 હજાર 642
- એક્ટિવ કેસઃ 3 લાખ 68 હજાર 558
- કુલ મોતઃ 4 લાખ 37 હજાર 558
- કુલ રસીકરણઃ 63 કરોડ 9 લાખ 17 હજાર
નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારતમા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. એવામાં જે રીતે કેસો ફરી વધી રહ્યા છે તે આ ચેતવણીના સંકેત પણ આપી રહ્યા છે. કોરોના વાયરસના નવા કેસ ફરી 40 હજારને પાર જતા રહ્યા છે. તે સાથે જ એક્ટિવ કેસો પણ એટલી જ ઝડપથી વધવા લાગ્યા છે. જેને પગલે ત્રીજી લહેરની ચેતવણી સાચી ઠરી રહી છે.
કોરોનાના એક્ટિવ કેસોમાં વધારાનું એક કારણ એ પણ છે કે નવા કેસોની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા વધવાને બદલે ઘટવા લાગી છે. કોરોનાના દૈનિક કેસ 40 હજાર પાર જઇ રહ્યા છે જ્યારે રિકવર થનારાની સંખ્યા 32 હજારની આસપાસ જ છે. એવામાં જે રાજ્યોમાં કેસો વધશે ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.
આ મહિનાના મધ્યમાં કોરોનાના દૈનિક કેસ પાંચ મહિનામા સૌથી ઓછા માત્ર 25 હજાર નોંધાયા હતા, જોકે છેલ્લા ચાર દિવસથી કોરોનાના દૈનિક કેસોએ ઉથલો માર્યો છે. કેરળમાં સ્થિતિ સ્ફોટક થવા લાગી છે, છેલ્લા એક સપ્તાહમાં દેશભરના કેસોના 60 ટકા નવા મામલા કેરળમાં જ નોંધાયા છે.