India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 6050 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસની સંખ્યા વધીને 28,303 પર પહોંચી છે. રિકવરી રેટ 98.75 ટકા છે.  દૈનિક પોઝિટિવિટી રેટ 3.39 ટકા અન સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3.02 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3320 દર્દી કોરોના મુક્ત થયા છે, જેની સાથે અત્યાર સુધીમાં કુલ 4,41,85,858 લોકો સાજા થયા છે.






ભારતમાં નોંધાશે દૈનિક 20 હજાર કેસ


કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ગઇ છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાન હાજર રહેશે. આ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન આઇઆઇટી, કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કોરોનાના વધતા કેસો વચ્ચે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વધતા કેસોને સિઝનલ બિમારીની જેમ જોઇ ન શકાય.પ્રોફેસરે દાવો કર્યો છે કે આવનારા બે મહિનામાં દરરોજ 15 થી 20હજાર કેસ સામે આવશે.


શું કહ્યું આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે


તેમણે જણાવ્યું હતું કે દેશના મોટા ભાગના લોકોએ રસી લઇ લીધી છે અને તમામ એક વખત વાયરસથી સંક્રમિત પણ થઇ ગયા હોવાથી લોકોમાં એક સ્તરની ઇમ્યુનિટી પણ બની ગઇ છે. જેના કારણે જ્યારે પણ કોઇને સંક્રમણ થશે તો વધુ અસરકારક નહીં હોય. કેસોની સંખ્યા વધશે પણ તે લહેર નહીં ગણાય. હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે લહેર નહીં આવે. ગયા વર્ષે જુલાઇમાં પણ નાની લહેર આવી હતી જેમાં દૈનિક 20,000કેસ આવતા હતાં. આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે અને દૈનિક કેસોની સંખ્યા વધીને 2૦,૦૦૦ સુધી જઇ શકે છે. ભારતીયોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ ઘટી છે.


કોરોનાની ત્રણ લહેરએ ભારતના લોકોના જીવનમાં ઉથલપાથલ મચાવી છે, દેશ હજુ પણ તે સમયને ભૂલી શક્યો નથી. દરમિયાન, દેશમાં કોરોનાના રોજેરોજ વધી રહેલા કેસોએ ફરી એકવાર લોકોના મનમાં ભય પેદા કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે કોરોનાના કેસમાં વધારાને લઈને સાવચેત રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે કોવિડના કેસોમાં હાલનો ઉછાળો એ નવી લહેરનો સંકેત નથી. આ બમ્પ હળવો છે અને થોડા દિવસોમાં ઓછો થઈ શકે છે. સંભવતઃ એપ્રિલના બીજા સપ્તાહથી કોરોના કેસમાં ઘટાડો શરૂ થઈ શકે છે.