નવી દિલ્હીઃ દેશમાં બે દિવસની રાહત બાદ ફરીથી કોરોના કેસ વધ્યા છે. આ દરમિયાન કોરોના સંક્રમણથી બચવા માટે આઈસીએમઆરન પ્રમુખ ડો, બલરામ ભાર્ગવે આવી રહેલી તહેવારોની મોસમને કહ્યું, ઓછામાં ઓછું એક વર્ષ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને તહેવારોની ઉજવણી ખૂબ મર્યાદીત માત્રામાં કરવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું, સમયની માંગ છે કે આપણે વેક્સિનની સ્વીકૃતિ, કોવિડ વ્યવહારનું પાલન, જરૂર હોય તો જ જવાદારી સાથે યાત્રા કરીએ અને જવાબદાર બનીને ઉત્સવ મનાવીએ. હાલ કેરળમાં સંક્રમણ ઘટી રહ્યું છે. જોકે તહેવારો નજીક આવી રહ્યા છે અને લોકોની બેદરકારી વાયરસના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.
બૂસ્ટર ડોઝ આપવાની ચર્ચા અત્યારે યોગ્ય નથી
કોવેક્સિનને લઈ ડો. ભાર્ગવે કહ્યું, WHOને તમામ ડેટા આપવામાં આવ્યો છે. જેના પર WHO દ્વારા મંજૂરી આપવામાં આવે છે. ડબ્લ્યુએચઓ નિર્ણય લે તે માટે ડેટા પર નજર રાખવામાં આવી રહી છે. પુખ્ત લોકોને રસીના બે ડોઝ આપીને સંપૂર્ણ રસીકરણ કરવાનું છે. બૂસ્ટર ડોઝ આપવાની ચર્ચા અત્યારે યોગ્ય નથી.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ અને 311 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,77,020 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 12,161 નવા કેસ નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. દેશમાં અત્યાર સુધીમાં 88,34,70,578 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 65,34,306 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 56,89,56,439 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 15,06,254 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.
- કુલ કેસઃ 3 કરોડ 37 લાખ 39 હજાર 980
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 30 લાખ 14 હજાર 898
- કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 77 હજાર 020
- કુલ મોતઃ 4 લાખ 48 હજાર 652