નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 11191 પર પહોંચ્યો હતો. નોંધનીય છે કે દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થઇ ગયો છે.
નોંધનીય છે કે હવે દેશભરમાં પોઝિટિવિટી રેટ વધીને 0.26 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 810 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,67,213 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 83.11 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસ માત્ર 0.3 ટકા છે. નોઈડામાં છેલ્લા 24 કલાકમાં 43 લોકો કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. 10 લોકોએ કોરોનાને હાર આપી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નોઈડામાં કોવિડ દર્દીઓની સંખ્યા વધીને 98832 થઈ ગઈ છે. જ્યારે 98186 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 156 દર્દીઓની સારવાર હજુ ચાલુ છે. આ સાથે કોવિડને કારણે અત્યાર સુધીમાં 490 દર્દીઓના મોત થયા છે.
દેશમાં કોરોનાના અન્ય સબવેરિયન્ટે બધાને ચિંતામાં મૂકી દીધા છે. ઓમિક્રોનનું સબવેરિઅન્ટ XE સૌથી ઝડપથી ફેલાતો વેરિઅન્ટ હોવાનું કહેવાય છે. તે કેટલો ગંભીર છે, તે હજુ સ્પષ્ટ નથી પરંતુ સરકાર તેને લઇને સાવધાની રાખી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં આ સબવેરિયન્ટના બે કેસ નોંધાયા છે.
બીજી તરફ, દિલ્હી સરકારે શાળાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ, જો શાળામાં એક પણ કોરોના કેસ જોવા મળે તો શાળા બંધ કરી દેવી જોઈએ. જો શાળામાં કોઈ કોરોના પોઝિટિવ કેસ જોવા મળે છે તો તરત જ DoEને તેની જાણ કરવાની રહેશે. શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માસ્ક પહેરવા પડશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.