ભોપાલઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન મોટાભાગના રાજ્યોએ કોવિડ-19 નિયંત્રણોમાંથી છૂટછાટ આપી છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશે તમામ કોવિડ-19 નિયંત્રણો હટાવવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે.


મધ્યપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6897 છે, જ્યારે 10,17,673 લોકો સાજા થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં કોરોનાથી 10,717 સંક્રમિતોના મોત થયા છે.  રાજ્યમાંથી તમામ પ્રતિબંધો ઉઠાવતાં પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કૂ કરીને લખ્યું, મારી રાજ્યના તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ છે. કોરોના પ્રોટોકોલનું પાલન કરજો. હોળી, રંગપંચમી અને આગામી તહેવારોમાં બેદરકારી ન દાખવતાં. સાવધાનીઓ રાખજો, સ્વસ્થ રહો.




દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થવા તરફ આગળ વધી રહી છે. સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,405 નવા કેસ નોંધાયા છે અને 235 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ 1,81,075 થયા છે.



  • કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 21 લાખ 58 હજાર 150

  • કુલ એક્ટિવ કેસ - 1 લાખ 81 હજાર 075

  • કુલ મૃત્યુ - 5 લાખ 12 હજાર 344

  • કુલ રસીકરણ - 175 કરોડ 83 લાખ 27 હજાર 441 ડોઝ આપવામાં આવ્યા હતા