મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 63,309 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 44,73,394 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 985 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જે કોરોનાથી એક દિવસમાં નોંધાનારો સૌથી મોટો મૃત્યુઆંક છે. આ સાથે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 67214 થઈ ગઈ છે. રાજ્યમાં મંગળવારે 66 હજાર 358 નવા કેસ આવ્યા હતા અને 895 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. સોમવારે, 48,700 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 524 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. મહારાષ્ટ્રમાં 18 એપ્રિલના રોજ સૌથી વધુ 68,631 કેસ નોંધાયા હતા.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે આજે જણાવ્યું હતું કે 30 મી એપ્રિલ પછી પણ 15 દિવસ માટે લોકડાઉન જેવા પ્રતિબંધો લંબાવાશે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, “ આજે 60 હજારથી પણ વધુ કેસ આવ્યા છે. નિશ્ચિતપણે થોડીક સ્થિરતા આવી છે. આપણે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે દૈનિક 70 હજારથી વધુ કેસ આવી શકે છે પરંતુ તેમ થયું નથી.”
ઉલ્લેખનીય કે રાજ્ય સરકારે 4 એપ્રિલે 30 એપ્રિલ સુધી વિકેન્ડ લોકડાઉન અને અન્ય દિવસોમાં રાત્રે લોકોની અવરજવર રોકવા માટે નાઈટ કર્ફ્યૂ લગાવ્યું હતું શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીકએન્ડ લાગુ રહેશે.
સંક્રમણ વધતા મહારાષ્ટ્ર સરકારે ખાનગી ઓફિસો, સલૂન, થિયેટરો બંધ કરવા સહિતના અનેક નિયંત્રણો લાદ્યા છે. રાજ્ય સરકારે કરિયાણા, શાકભાજીની દુકાનો અને ડેરીઓને સવારે સાત વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી ફક્ત ચાર કલાક માટે ખોલવાની સૂચના આપી છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.