ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાની બરહજ સીટ પરથી ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકોએ મુસ્લિમો પાસેથી શાકભાજી ન ખરીદવી જોઈએ. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ મુસ્લિમ વિક્રેતાઓ પાસેથી શાકભાજી ન ખરીદવાનું કહી રહ્યા છે.
સુરેશ તિવારી વીડિયોમાં કહે છે કે, એક ચીજનું ધ્યાનમાં રાખીને હું બોલી રહ્યો છું કે, આપણામાંથી કોઈપણ મુસ્લિમ પાસેથી શાકભાજી નહીં લે. તિવારીને આ અગે ફોન પર પૂછવામાં આવતાં કહ્યું, 17 કે 18 એપ્રિલે હું જનતામાં માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરી રહ્યો હતો. જ્યારે હું નગરપાલિકાની બાઉન્ડ્રી પાસે પહોંચ્યો ત્યારે આશરે 17 થી 18 લોકો મારી પાસે આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા કે તબલીગી જમાતના લોકોએ અફડાતફડી મચાવી દીધી છે. તેઓ કોરોના વાયરસ ફેલાવી રહ્યા છે અને પોતાના થૂંકથી શાકભાજીને દૂષિત કરી રહ્યા છે.
તિવારીએ કહ્યું, મેં લોકોને કહ્યું હતું કે, મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓ સાથે લડાઈ ન કરો કે કાનૂન તમારા હાથમાં ન લો પરંતુ તેમની પાસેથી ખરીદી જ બંધ કરી દો. આમાં મેં ખોટું શું કીધુ તે જણાવો. તેમણે કહ્યું, બરહજમાં અનેક મુસ્લિમ શાકભાજી વિક્રેતા છે અને મેં લોકોને ઘાતક વાયરસથી બચવા તેમની પાસેથી શાકભાજી નહીં ખરીદવાની સલાહ આપી છે.
તિવારીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં લખનઉના બીજેપી પ્રવક્તા ચંદ્રમોહને કહ્યું કે, ધારાસભ્યએ જે હાલત હેઠળ નિવેદન આપ્યું છે તેને લઈ પાર્ટી નિર્ણય લેશે. હાલ આવા કામ કરવાની દરેકની જવાબદારી છે. આ પ્રકારની કામથી એકજૂથતાને પ્રોત્સાહન મળે છે.