નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના સંક્રમણની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 12 દિવસમાં આશરે બે લાખ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 18 હજારથી વધારે કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,148 નવા કેસ નોંધાયા છે અને 434 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,04,641 પર પહોંચી છે અને 17,834 લોકોના મોત થયા છે. 3,59,860 લોકો સાજા થઈ ગયા છે 2,26,947 એક્ટિવ કેસ છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશમાં ચોથા સ્થાન પર ભારત છે. અમેરિકા 27,78,152 કેસ સાથે પ્રથમ, બ્રાઝીલ 14,53,369 કેસ સાથે બીજા અને રશિયા 6,54,405 કેસ સાથે ત્રીજા ક્રમે છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે.

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. જે બાદ દિલ્હી બીજા નંબર પર, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.