PM Modi Corona Review Meeting:કોરોનાના નવા સ્ટ્રેન બાદ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 અને રસીકરણની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં મોદીને દક્ષિણ આફ્રિકાથી આવેલા કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો અંગે જાણકારી આપવામાં આવી હતી.


પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ આવવા પર તેમના મોનિટરિંગ અને ગાઇડલાઇનના હિસાબે ટેસ્ટિંગનો ઉલ્લેખ કરીને ખાસ કરીને જોખમવાળા દેશોની ઓળખ કરવાનું કહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યા મુજબ પીએમ મોદીએ અધિકારીઓને કોરોનાના નવા સ્ટ્રેનને જોતાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને આપવામા આવેલી છૂટની સમીક્ષા કરવા કહ્યું છે.


કેટલા કલાક ચાલી બેઠક


પ્રધાનમંત્રી મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક લગભગ બે થી અઢી કલાક ચાલી હતી. આ દરમિયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ હાજર હતા. પીએમ મોદીએ અધિકારીઓને રાજ્યો સાથે નજીકથી કામ કરવા કહ્યું હતું. આ ઉપરાંત જ્યાંથી વધારે કોરોના કેસ આવતાં હોય ત્યાં કડકાઈ અને દેખરેખ રાખવા નિર્દેશ આપ્યા હતા.






ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય


દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરીએન્ટ મળ્યા બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સીના ટ્વીટ પ્રમાણે યુરોપ, યુકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોતસવાના, ચાઈનાથી આવતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ કરાશે. મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાવે અને હોંગકોંગથી આવતા મુસાફરોના પણ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાશે.