COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: આંધ્રપ્રદેશમાં 26 જૂનથી 16 જુલાઈ દરમિયાન 12 નવા COVID-19 કેસ અને ચાર મૃત્યુ નોંધાયા છે. કોરોનાની રિએન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે જાણીએ વધુ ડિટેલ

COVID-19 Cases:આંધ્રપ્રદેશમાં ફરી એકવાર કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળ્યો છે. 26 જૂનથી 16 જુલાઈ દરમિયાન રાજ્યના ચાર અલગ અલગ જિલ્લાઓમાં 12 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ સમયગાળા દરમિયાન ચાર દર્દીઓના મોત પણ થયા છે, પરંતુ આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે જનતાએ ગભરાવાની જરૂર નથી.
મૃત્યુનું મુખ્ય કારણ જૂની ગંભીર બીમારીઓ
આંધ્ર પ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ વીરા પાંડિયને જણાવ્યું કે, મૃત્યુ પામેલા ચાર દર્દીઓ (કડપ્પાના 3 અને કાકીનાડાના 1) અગાઉથી જ ગંભીર બીમારીઓથી પીડિત હતા. તેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કિડની સંબંધિત લાંબા સમયથી સમસ્યાઓ હતી.
ક્યાં કેટલા દર્દીઓ મળી આવ્યા?
26 જૂનથી 15 જુલાઈ દરમિયાન કુલ 67 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 12 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા. કાકીનાડાના એક દર્દીનો ટેસ્ટ તમિલનાડુના વેલ્લોરમાં કરવામાં આવ્યો હતો.
કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?
કડપ્પા: 8 કેસ (અહીં 26 જૂને વર્ષનો પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો)
ગુન્ટૂર: 2 કેસ
વિશાખાપટ્ટનમ: 1 કેસ
કાકીનાડા: 1 કેસ
રાહતની વાત એ છે કે, તમામ કેસ અલગ-અલગ વિસ્તારોમાંથી સામે આવ્યા છે. કોઈ એક વિસ્તારમાં એકસાથે મોટી સંખ્યામાં કેસ નોંધાયા નથી, એટલે હાલ કોવિડનો કોઈ ક્લસ્ટર બન્યો નથી.
દર્દીઓની હાલની સ્થિતિ
હોમ આઇસોલેશનમાં: 3 દર્દી
હોસ્પિટલમાં દાખલ: 2 દર્દી
ડિસ્ચાર્જ થયા: 3 દર્દી
કુલ મૃત્યુ: 4
વાયરસના વેરિઅન્ટની ઓળખ માટે 9 જુલાઈએ પાંચ સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) લેબમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ
દેશના અન્ય રાજ્યોમાં સ્થિતિ
1 જુલાઈથી અત્યાર સુધી દેશમાં કુલ 339 કોરોના કેસ નોંધાયા છે. મુખ્ય રાજ્યોમાં સ્થિતિ આ પ્રમાણે છે:
કેરળ: 115 કેસ
કર્ણાટક: 64 કેસ
મહારાષ્ટ્ર: 43 કેસ
તમિલનાડુ: 39 કેસ
અંડમાન અને નિકોબાર: 18 કેસ
દિલ્હી: 18 કેસ
રાજસ્થાન: 12 કેસ
આરોગ્ય મંત્રીએ કરી અપીલ
આંધ્ર પ્રદેશના આરોગ્ય મંત્રી સત્ય કુમાર યાદવે જણાવ્યું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તમામ હોસ્પિટલો, ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે કોઈપણ પ્રકારની ગભરાટ ફેલાવાની જરૂર નથી. માત્ર જરૂરી સાવચેતી રાખો અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરો.





















