નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીનુ વિકરાળ રૂપ ફરી એકવાર જોવા મળી શકે છે. નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેરને લઇને મોટી ચેતાવની આપી છે. સરકારના આ મોટા વિભાગે ચિંતા વ્યક્ત કરી છે, નીતિ આયોગે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, સપ્ટેમ્બરમાં 4 થી 5 લાખ કોરોના કેસ આવી શકે છે. દરરોજ 100 કોરોના કેસોમાંથી 23 કેસોને હૉસ્પીટલમાં ભરતી કરાવવાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આવામાં પહેલાથી જ બે લાખ આઇસીયુ બેડ તૈયાર રાખવાની જરૂર છે.  


ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, નીતિ આયોગે કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં હૉસ્પીટલમાં કૉવિડ બેડ અલગથી રાખવાની ભલામણ કરી છે. આયોગનુ કહેવુ છે કે, ખરાબ સ્થિતિ સામે ટકવા માટે પહેલાથી જ તૈયાર રહેવુ પડશે. સપ્ટેમ્બર સુધી બે લાખ આઇસીયુ બેડ તૈયાર કરવા જોઇએ, આ ઉપરાંત 1.2 લાખ વેન્ટિલેટર વાળા આઇસીયુ બેડ, 7 લાખ ઓક્સિજન વાળા બેડ અને 10 લાખ કૉવિડ આઇસૉલેશન કેર બેડ હોવા જોઇએ.  


નીતિ આયોગે આ પહેલા સપ્ટેમ્બર 2020માં પણ કોરોનાની બીજી લહેરનુ અનુમાન લગાવ્યુ હતુ, ત્યારે નીતિ આયોગે 100 સંક્રમિતોમાંથી ગંભીર કૉવિડ લક્ષણો વાળા લગભગ 20 દર્દીઓને હૉસ્પીટલમાં ભરતી થવાની આવશ્યકતા દર્શાવી હતી, પરંતુ આ વખતે અનુમાન ગયા અનુમાનથી મોટુ છે. 


ભારતમાં કોરોનાની સ્થિતિ.....
India Corona Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા, 375 દર્દીના મોત
ભારતમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 હજાર 457 નવા કેસ નોંધાયા છે. 375 કોરોના સંક્રમિત દર્દીઓ આ સમયગાળા દરમિયાન મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન, એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં 3 લાખ 61 હજાર 340 એક્ટિવ દર્દીઓ છે. આ આંકડો 151 દિવસમાં સૌથી ઓછો છે.


હાલમાં દેશભરમાં કુલ 3,61,340 એક્ટિવ કેસ છે, જે છેલ્લા 151 દિવસોમાં સૌથી ઓછા છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસ રેટ 1.12 ટકા છે. તે માર્ચ 2020 થી પણ ઓછા છે. દેશમાં રિકવરી રેટ વધીને 97.54 ટકા થયો છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે.


છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 36,347 લોકો આ રોગચાળામાંથી સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3,15,97,982 લોકો આ રોગચાળામાંથી સાજા થયા છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર 1.98 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 57 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે. દૈનિક પોઝિટિવીટી દર પણ 2 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 26 દિવસથી ત્રણ ટકાથી નીચે નોંધાઈ રહ્યો છે.


બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કહ્યું કે અમારા પ્રયાસોને કારણે રાજ્યમાં કોરોનાની બીજી લહેર સુસ્ત બની રહી છે. મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે, રાજ્ય સરકારે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.