India Covid Case: કેરળમાં કોવિડ -19 ના 300 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે 20 ડિસેમ્બરે દક્ષિણ રાજ્ય કેરળમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 3 લોકોના મોત થયા હતા. આ રીતે દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669 થઈ ગઈ છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોવિડના કેસ નોંધાયા છે. કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર લોકોને ચિંતામાં મૂકી દીધા છે.






સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 358 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 300 નવા કેસો ઉપરાંત કર્ણાટકમાં 13, તામિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગાણામાં 5, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરીમાં, આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં એક-એક કેસ નોંધાયો છે. પંજાબમાં એક અને કર્ણાટકમાં બે વ્યક્તિનું મોત થયું છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે છ લોકોના મોત થયા છે.


વાયરસથી બચવા માટે સાવચેતીનાં પગલાં લો


દેશમાં મોટાભાગના કેસ કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ JN.1 સાથે સંબંધિત છે. બુધવારે સબ-વેરિયન્ટના 21 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે ટેન્શનમાં વધારો થયો છે. તેથી જ નિષ્ણાતોએ વાયરસથી બચવા માટે સાવચેત રહેવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે નવા વેરિયન્ટ્સનું આવવું આશ્ચર્યજનક નથી અને તેનાથી ગભરાવાની જરૂર નથી. કોવિડના નવા વેરિઅન્ટને લઈને લોકોમાં સૌથી વધુ ટેન્શન છે.


લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. હોસ્પિટલ અથવા ભીડવાળા સ્થળોએથી પાછા ફરતી વખતે સેનિટાઈઝરનો ઉપયોગ કરો. તમારી સાથે સેનિટાઈઝર રાખવાનો પ્રયાસ કરો. જેથી હાથ સતત સાફ થઈ શકે. કોવિડની છેલ્લી બે લહેરમાં દેશમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ આ વખતે રસીકરણ ઊંચા દરના કારણે કોવિડથી વધુ ખતરો દેખાઇ રહ્યો નથી.