નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. ઝાયડસ કેડિલાએ પોતાની રસી ઝાયકોવ ડી (Zycov D) માટે ડીસીજીઆઈ (DCGI) ની મંજૂરી માંગી છે. પોતાની રસી ઝાયકોવ ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે માગી મંજૂરી માંગી છે. 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસીનો ઉપયોગ થાય તેવી શક્યતા છે.


નોંધનીય છે કે, ઝાયડસ કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જો સરકાર દ્વારા આ રસીની મંજૂરી આપવામાં આવે તો, રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે. વેક્સિનના એક અથવા બે નહીં, 3 ડોઝ લગાવવામાં આવશે. ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ દરમિયાન ત્રણ ડોઝ લગાવવા પર આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખે છે. જો કે કેડિલા આના બે ડોઝનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.


આ વેક્સિનને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જશે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.


ઇન્જેક્શન વગર લાગશે ZyCoV D રસી


ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીનું કહેવું છે કે, આ રસીને ઇન્જેક્શન વગર જ ફાર્માજેટ ટેકનીકથી લગાવવામાં આવશે. આ ટેકનીકનો ઉપયોગથી રસી આપ્યા બાદ સાઈડ ઇફેક્ટનું જોખમ ઓછું થઈ જશે. જો તેને મંજૂરી મળે તો આ કોરોનાને રોકવા માટે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી અને દેશમાં ઉપલબ્ધ પાંચમી રસી હશે.


રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તેમાં 28,000થી વધુ સ્વયંસેવકો સામેલ થયા હતા. કંપનીએ ટ્રાયલનો ડેટા ડીસીજીઆઈને આપ્યો છે. ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ જુલાઈ અંત સુધી અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી 12 18 ઉંમરના બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે છે.