Covid-19 Cases in India: ભારતમાં કોરોના વાયરસના કેસો અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 761 નવા કોવિડ-19 કેસ અને 12 મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 12 રાજ્યોમાંથી JN.1 વેરિઅન્ટના કુલ 619 કેસ નોંધાયા છે.  અપડેટ થયેલા ડેટા અનુસાર, દેશમાં એક્ટિવ કોવિડ-19 કેસોની સંખ્યા ગુરુવારે 4,423 થી ઘટીને 4,334 થઈ ગઈ છે.


કેરળમાં સૌથી વધુ 1,249 સક્રિય કેસ છે, ત્યારબાદ કર્ણાટકમાં 1,240, મહારાષ્ટ્રમાં 914, તમિલનાડુમાં 190 અને છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં દરેક 128 છે. માહિતી અનુસાર, 12 મૃત્યુમાંથી પાંચ કેરળમાં, ચાર કર્ણાટકમાંથી, બે મહારાષ્ટ્રમાંથી અને એક ઉત્તર પ્રદેશમાં થયા છે.


5 ડિસેમ્બર સુધી દૈનિક કેસોની સંખ્યા બે આંકડામાં હતી, પરંતુ ઠંડા હવામાનની સ્થિતિ અને નવા COVID-19 પ્રકારના ઉદભવ પછી તેઓ ફરીથી વધવા લાગ્યા છે.


2020 ની શરૂઆતમાં શરૂ થયેલા રોગચાળાની ટોચ પર, દૈનિક કેસોની સંખ્યા લાખોમાં હતી. ચાર વર્ષમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 5.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 4.4 કરોડથી વધુ છે, જેમાં રિકવરી રેટ 98.81 ટકા છે. વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 


દેશમાં JN-1 વેરિયન્ટની સંખ્યામાં વધારો


કોરોનાના આ નવા પ્રકારને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ જાળવવા માટે કહ્યું છે. દેશમાં JN-1 વેરિઅન્ટની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તમામ હોસ્પિટલોને JN-1 વેરિઅન્ટના વધતા જતા કેસોને કારણે ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને શ્વસન સંબંધી બીમારી પર દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા જણાવ્યું છે. 


દેશભરમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN-1 કેસની સંખ્યા વધીને 619 થઈ ગઈ છે. પીટીઆઈના અહેવાલ મુજબ 4 જાન્યુઆરી સુધીમાં કર્ણાટકમાં 199, કેરળમાં 148, મહારાષ્ટ્રમાં 110, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાં 30, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15, રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે. તેલંગાણા, હરિયાણામાં 2 અને ઓડિશામાંથી એક-એક કેસ નોંધાયો છે.


અધિકારીએ કહ્યું કે, દેશભરમાં JN-1 વેરિઅન્ટની સંખ્યા વધી રહી હોવા છતાં, અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચેપગ્રસ્ત મોટાભાગના લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા છે.