New Wave of COVID-19 : 19, મે સુધીમાં ભારતમાં કોવિડ-19ના 257 એક્ટિવ કેસ છે, જ્યારે ગયા શુક્રવારે આ સંખ્યા 93 હતી. તેનો અર્થ એ કે કેસોમાં થોડો વધારો જોવા મળ્યો છે. મુંબઈના ડોક્ટરોએ અહેવાલ આપ્યો છે કે હળવા કોવિડ કેસોમાં થોડો વધારો થયો છે અને આ મોટાભાગે યુવાનોમાં જોવા મળી રહ્યા છે. જોકે, નવી લહેર શરૂ થવાના કોઈ સંકેત નથી.
એશિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હોંગકોંગ અને સિંગાપોર જેવા શહેરોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાયો છે. વાયરસના નવા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. જે વધુ ઝડપથી ફેલાય છે અને નબળી ઇમ્યૂનિટી ધરાવતા લોકોને જલદી શિકાર બનાવે છે.
JN.1 વેરિઅન્ટ કેટલો ખતરનાક છે?
અત્યાર સુધીની જાણકારી અનુસાર, JN.1 વેરિઅન્ટ ઓમિક્રોનનો જૂના પ્રકાર જેવો છે. હાલમાં આ વેરિઅન્ટ ખૂબ ગંભીર બીમારી ફેલાવી રહ્યો નથી. મોટાભાગના મામલામાં લોકોમાં હળવા અને મધ્યમ લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમ કે, ગળામાં ખારાશ, થાક, ખાંસી અને તાવ. અત્યાર સુધી હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં કોઇ મોટો વધારો નોંધાયો નથી. પરંતુ વૃદ્ધો, નબળી ઇમ્યૂનિટી ધરાવતા લોકો અને અગાઉથી જ કોઇ અન્ય બીમારીનો શિકાર લોકો માટે આ ખતરનાક સાબિત થઇ શકે છે.
સિંગાપોરમાં કોરોનાના અચાનક કેસ વધવા પાછળ LF.7 અને NB.1.8 નામના બે નવા વેરિઅન્ટ જવાબદાર છે. આ બંન્ને પણ JN.1નો જ પેટાપ્રકાર છે. નિષ્ણાંતોના મતે આ વધારા પાછળનું એક કારણ લોકોની ઘટતી ઇમ્યૂનિટીની ક્ષમતા હોઇ શકે છે.
શું વેક્સિન JN.1 વેરિઅન્ટ પર છે અસરકારક?
એક રિસર્ચ અનુસાર, ફાઇઝર-બાયોએનટેક અને મોડર્ના જેવી mRNA વેક્સિન, JN.1થી થનારી ગંભીર બીમારી, હોસ્પિટલમાં ભરતી થવા અને મોતથી બચાવવામાં મદદ કરે છે. mRNA વેક્સિનમાં તાજેતરમાં જ અપડેટ કરવામા આવેલા બાઇવેલેન્ટ અને મોનોવેલેન્ટ વેક્સિન સામેલ છે. જોકે, આ વેક્સિન ઓછા લક્ષણો ધરાવતા અથવા લક્ષણો વિનાના ચેપને રોકવામાં ઓછી અસરકારક છે. એવું એટલા માટે કારણ કે JN.1માં કેટલાક નવા ફેરફાર થયા છે પરંતુ તેની મૂળ સંરચના ઓમિક્રોનના જૂના સ્વરૂપો જેવી જ છે. તેને આ વેક્સિન અગાઉથી જ નિશાન બનાવે છે. જે લોકો 2023-24માં અપડેટ કરેલો બૂસ્ટર ડોઝ લે છે તો તેમના શરીરમાં વાયરસ સામે લડનારી એન્ટીબોડીની માત્રા વધી જાય છે. તેમના માટે વેક્સિન લેવી હજુ પણ ફાયદાકારક છે, ખાસ કરીને ગંભીર અસરથી બચાવે છે.