મેવાત: હરિયાણાના મેવાતના ડિગરહેડી ગામમાં બુધવારે મોડી રાત્રે કેટલાક લૂંટારાઓએ એક પરિવાર પર હુમલો કર્યો હતો. મારામારી કરીને પતિ-પત્નીની હત્યા કરી દીધી. 22 વર્ષીય એક પરણિતા અને 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપ પણ કર્યો. મારામારીમાં ઘાયલ થયેલા ઘરના 6 અન્ય સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, 'આ અત્યંત સંવેદનશીલ મામલો છે. દોષિતોને છોડવામાં નહીં આવે.' ગુરુવારે સાંજે પોલીસે રેપ પીડિત છોકરીઓને ગુડગાંવ લઈને આવી છે. આરોપીઓનાં સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે.
પીડિત પરિવાર ડિગરહેડી ગામ પાસે એક ખેતરમાં રહે છે. રાત્રે લગભગ 2 વાગ્યે કેટલાક ગુંડાઓએ તેમના ઘરમાં ઘૂસી હુમલો કરી દીધો હતો. પરિવારના મુખ્ય વ્યક્તિને ડંડા અને લોખંડના સળિયા વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગુંડાઓએ પત્ની અને ઘરના અન્ય સભ્યોને ફટકાર્યા બાદ છોકરીઓ સાથે ગેંગરેપ પણ કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ ગુંડાઓ ફરાર થઈ ગયા હતા.
ઘટનામાં પતિ-પત્નીનું મોત થયું છે. પત્નીએ સારવાર માટે હોસ્પિટલ જતા રસ્તામાં જીવ ગુમાવ્યો હતો. ઘટનામાં દંપતીનાં જમાઈ અને પુત્રીઓ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ગેંગરેપ પીડિત છોકરીઓમાંથી એકે જણાવ્યું કે, 'રાત્રે અમને બહાર અવાજ સંભળાયો. થોડા સમય બાદ ચાર-પાંચ લોકો ઘરમાં ઘૂસી ગયા, તેમાંથી 2 વ્યક્તિ ચડ્ડી-બંડીમાં જ્યારે અન્ય પેન્ટ-શર્ટમાં હતા. તેઓએ અંદર આવતા જ બધાને બાંધી દીધા અને ડંડા, સળિયાથી હુમલો કરવા લાગ્યા હતા. હુમલાખોરો અમારા રૂમમાં ઘૂસી ગયા, મારી અને બહેન સાથે ત્રણ લોકોએ રેપ કર્યો. હુમલાખોરોએ અમારી પાસે પૈસા અને દાગીને વિશે પૂછ્યું, ગુંડાઓમાંથી એક પાસે દેશી કટાર પણ હતી. તેઓએ ઘરમાં રાખેલી પેટી અને અનાજના વાસણો પણ ખાલી કરાવી લીધા હતા. ત્યારબાદ તેઓએ બધાને રૂમમાં બંધ કરી દીધા અને ફરાર થઈ ગયા.'
આ મામલે એસપી કુલદીપ સિંહ યાદવે જણાવ્યું કે, '5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઘરમાં ઘૂસીને હુમલો કરવા અને ગેંગરેપ કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આખા જિલ્લામાં એલર્ટ આપી દીધું છે. પ્રાથમિક તપાસમાં જાણી શકાયું છે કે, આરોપી લૂંટના ઈરાદે જ આવ્યા હતા.'