Jammu Kasmir Accident: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગ ટનલ નજીક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાનોને લઈ જતું વાહન અકસ્માતગ્રસ્ત થયું. આ અકસ્માતમાં કુલ 6 જવાન ઘાયલ થયા છે. તમામ ઘાયલ જવાનોને સારવાર માટે CRPF કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે, મધ્ય કાશ્મીર જિલ્લાના શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સોનમર્ગ ટનલ નજીક CRPFનું એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું. આ ઘટનામાં CRPFના છ જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ જવાનોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે ગુન્ડ સ્થિત CRPF કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન CRPFએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ હાંસલ કરી છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ચલાવવામાં આવેલા અભિયાનો દરમિયાન એક પણ જવાનનું મૃત્યુ થયું નથી. ઘણા દાયકાઓમાં આ પહેલીવાર બન્યું છે. CRPFના મહાનિર્દેશક જી.પી. સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
CRPFના મહાનિર્દેશકે શું કહ્યું?
જી.પી. સિંહે લખ્યું કે, “ઉપલબ્ધ આંકડાઓ દર્શાવે છે કે ઘણા દાયકાઓમાં પહેલીવાર 1 જાન્યુઆરીથી 30 જૂન, 2026 સુધીના સમયગાળા દરમિયાન CRPFને કોઈ પણ ઓપરેશનમાં જાનહાનિનો સામનો કરવો પડ્યો નથી.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “નક્સલવાદના સમૂલ નાશ તરફ થયેલી પ્રગતિને કારણે CRPF માટે સતત નવમો મહિનો એવો રહ્યો છે, જેમાં કોઈ પણ ઓપરેશન દરમિયાન કોઈ જવાન શહીદ થયો નથી. ઘણા દાયકાઓમાં આવું પ્રથમ વખત બન્યું છે.”
CRPFમાં લગભગ 3.25 લાખ જવાનો તૈનાત
CRPFમાં હાલમાં લગભગ 3.25 લાખ જવાનો સેવા આપી રહ્યા છે. દેશભરમાં આંતરિક સુરક્ષા સંબંધિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ આ દળ સંભાળે છે. તેમાં નક્સલવાદ વિરોધી અભિયાન, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી તેમજ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઉગ્રવાદ વિરોધી અભિયાનોનો સમાવેશ થાય છે.
CRPFની સ્થાપના 1939માં બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ બે વર્ષ પછી તેનું નામ બદલીને CRPF રાખવામાં આવ્યું હતું.
સરકારી આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં CRPFના 2,270 જવાનો અને અધિકારીઓ ફરજ બજાવતા દરમિયાન શહીદ થયા છે.
