શ્રીનગર: મંગળવારે કશ્મીરના અનંતનાગ સિવાયના દરેક ક્ષેત્રમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. 17 દિવસ સુધી ઘાટીમાં ચાલી રહેલા તણાવ બાદ આજે કર્ફ્યૂ હટાવાયો છે. આ 17 દિવસમાં 47 લોકોના મોત થયા અને 5500 લોકોને ઘાયલ થયા હતા. હિજબુલ કમાંડર બુરહાન વાનીની એન્કાઉંટરમાં હત્યા બાદ ઘાટીમાં હિંસા ફેલાઈ હતી.


પોલીસ ઓફિસરોના જણાવ્યા મુજબ કશ્મીરના અનંતનાગ સિવાયના તમામ વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે.

વાનીના મોત બાદ નવમી જુલાઈથી કશ્મીરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. તે બાદ પણ હિંસક વિરોધના પગલે 47 લોકોના મોત થયા હતા.

મોબાઈલ, ઈંટરનેટ સુવિધા અને ટ્રેનની સેવા 18મા દિવસે પણ ઠપ્પ હતી. અલગતાવાદીઓના બંધના એલાનના પગલે શાળા, કોલેજો પણ બંધ રહ્યા હતા.

અલગતાવાદી જૂથો કે જેમણે નાગરિકોની હત્યાના વિરોધમાં પ્રદર્શનની આગેવાની કરી હતી તેમણે 2 વગ્યાથી હડતાળ સમેટી લેવાનું એલાન કર્યુ છે.

જો કે આવતી કાલથી 29 જુલાઈ સુધી તેમણે બંધનું એલાન કર્યુ છે. બુધવારે અલગતાવાદીઓ કુલગામમાં પણ એક રેલી કરશે.