Cyclone Dana: ઓડિશામાં 24 થી 25 ઓક્ટોબર સુધી ચક્રવાત દાનાને લઈને દરેક જગ્યાએ તકેદારી વધારી દેવામાં આવી છે. ઓડિશા અને બંગાળમાં તોફાનથી બચવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં NDRFની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ લગાવીને 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. આ વાવાઝોડું રાષ્ટ્રીય ઉદ્યાન અને પુરીના ધમરા બંદરની વચ્ચે ટકરાશે. IMD અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર ચક્રવાતનું સ્વરૂપ લઈ રહ્યું છે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે પારાદીપથી 560 કિલોમીટર અને સાગરદ્વીપથી 630 કિલોમીટરના અંતરે છે.
અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
ગુરુવાર 24 ઓક્ટોબરની રાત્રે અથવા શુક્રવાર 25 ઓક્ટોબરની સવારે તે પુરી કિનારે અને બંગાળના સાગરદ્વીપ કિનારે અથડાશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે બંગાળ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
લગભગ 300 ટ્રેનો ત્રણ દિવસ માટે રદ
NDRFના સેકન્ડ ઇન કમાન્ડ ટુઆઇસી વર્ધમાન મિશ્રા અનુસાર, NDRFની ટીમો તટીય જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. ઓડિશાના સાત જિલ્લામાં તોફાન અને ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ-પૂર્વ રેલવેએ આગામી ત્રણ દિવસ માટે લગભગ 300 ટ્રેનો રદ કરી છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝીએ બુધવારે કેબિનેટની બેઠક બોલાવી અને મંત્રીઓને જવાબદારી સોંપી હતી. નવ મંત્રીઓ અને નવ વરિષ્ઠ IAS અધિકારીઓને એક્શન પ્લાનિંગ અને મોનિટરિંગની જવાબદારી સોંપી હતી.
શાળા-કોલેજની રજાઓ
રાજ્ય સરકારે આપત્તિ રાહત દળો તૈનાત કર્યા છે. શાળાઓ અને કોલેજો બંધ કરી છે અને તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી છે. પ્રવાસીઓને બીચ તરફ જવાની મનાઈ કરીને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે વિવિધ દરિયાકિનારા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે એક વીડિયો સંદેશ જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે વાવાઝોડાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ દરેક વ્યક્તિએ સુરક્ષિત રહેવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.