Cyclone Jawad: હવામાન વિભાગે સાયક્લોન ‘જવાદ’ને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ડિસેમ્બરના રોજ જવાદ વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારા સાથે ટકરાઇ શકે છે. વાવાઝોડાના કારણએ દક્ષિણ બંગાળના લગભગ તમામ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે તોફાનની અસર છત્તીસગઢ પર પણ થઇ શકે છે.
હવામાન વિભાગે ત્રણ ડિસેમ્બરના રોજ ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ના જવાની અપીલ કરી છે. તોફાનના કારણે અનેક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. 3 અને 4 ડિસેમ્બર માટે અનેક ટ્રેન રદ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું કે ઓડિશામાં વરસાદની તીવ્રતા શનિવારથી વધશે કારણ કે દરિયા કિનારાના જિલ્લાઓ અને અન્ય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ગજપતિ, ગંજમ, પુરી અને જગતસિંહપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રપાડા, કટક, ખુર્દા, નગાગઢ, કંધમાલ, રાયગડા અને કોરાપુટ જિલ્લામાં શનિવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કહ્યું કે ત્રણ ડિસેમ્બરના રોજ પશ્વિમ-ઉત્તર-પશ્વિમ તરફ આગળ વધતા તોફાન બંગાળની ખાડીના મધ્યભાગમાં પહોંચી શકે છે. બાદમાં ચાર ડિસેમ્બરના રોજ શનિવારની સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં તોફાન ટકરાય તેવી સંભાવના છે. તોફાનના કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણાં સ્થળો પર સામે આવ્યા છે.
આજે રાજ્યના મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે સૌરાષ્ટ્રમાં ફરી એક વાર માવઠાંરૂપી મુસીબત વરસી હતી જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં અને સોમનાથ જિ.ના ઉનામાં ૧ ઈંચ વરસાદ અને ઉના પાસેના કેંદ્ર શાસિત દીવમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે.