Cyclone Michaung Update: દક્ષિણના રાજ્યોમાં હાલમાં નવા તોફાન 'મિચાઉંગ'નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડું આજે એટલે કે સોમવારે (4 ડિસેમ્બર) તમિલનાડુના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સાથે આ ચક્રવાતી તોફાન પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરી શકે છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં લીધા છે. આ જ કારણ છે કે પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ એક મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. એટલું જ નહીં, તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ વાહનો પાણીમાં વહી ગયા હતા. હવામાન વિભાગે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તેઓ ચક્રવાત 'મિચોંગ'ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેનો રદ કરી છે.