નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશ અને ઓડિશાના સમુદ્ર તટ પર ફેથાઇ ચક્રવાતનો ખતરો મંડરાઇ રહ્યો છે. બંગાળની ખાડીમાંથી આવતાં વાવાઝોડાને લીધે હાઈ એલર્ટ જારી કર્યું છે. તોફાનને પગલે બંન્ને રાજ્યોમાં વહીવટીતંત્ર હાઇએલર્ટ પર છે. ફેથાઈ વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ચક્રવાત સોમવાર સુધીમાં વિશાખાપટ્ટનમ સુધી પહોંચવાની શક્યતા છે. વિશાખાપટ્ટનમ સાઇક્લોન વોર્નિગ સેન્ટરના કહેવા પ્રમાણે, આગામી કેટલાક કલાકોમાં ફેથાઇ ચક્રવાત મજબૂત થશે અને સોમવારે સમુદ્ર તટના વિસ્તારોમાં પહોંચશે. રાજ્યના નવ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડું આંધ્રના ગોલ અને કાકીનાડા તટ વચ્ચે તકરાઈ શકે છે. ગોદાવરી જિલ્લા કલેક્ટર કે. મિશ્રાએ કહ્યું કે કાંઠાના ક્ષેત્રોમાં 50 રાહત શિબિર ખોલવામાં આવ્યા છે. ફેથાઇ ચક્રવાત 100 કિમીની ઝડપે ટકરાશે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તમામ નવ દરિયાકિનારાના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે અને જરૂરી તમામ પગલા ભરવાના આદેશ આપ્યા છે. હવામાન વિભાગે સોમવારે આંધ્રપ્રદેશના સમુદ્ર તટના વિસ્તારો અને પુંડુચેરીના યાનામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. પવનની ઝડપ 100 કિમીની ઝડપ હશે. ઓડિશામાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. ગજપતિ, ગંજામ, રાયગડ અન કાલાહાંડી જિલ્લામાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ છે.