Michaela Kythreoti touches PM Modi feet: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 3 દેશોની મુલાકાતનો પ્રથમ તબક્કો સાયપ્રસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ 2 દિવસીય મુલાકાત દરમિયાન, PM મોદીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વિસ્તૃત વાટાઘાટો કરી હતી. આ મુલાકાત દરમિયાન, એક અનોખો અને હૃદયસ્પર્શી કિસ્સો બન્યો, જ્યાં નિકોસિયાના ઐતિહાસિક કેન્દ્રમાં PM મોદીના આગમન સમયે, સાયપ્રસના એક સાંસદ માઇકેલા કિથ્રેઓતી મ્હાલ્પાએ પરંપરાગત રીતે પ્રધાનમંત્રીના પગ સ્પર્શીને તેમનું સ્વાગત કર્યું હતું. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી આ અભિવાદનને નમ્રતાપૂર્વક સ્વીકારતા જોવા મળે છે.
PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ વચ્ચેની વાતચીત દ્વિપક્ષીય સહયોગને વ્યૂહાત્મક દિશા આપવા અને સંરક્ષણ સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત રહી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, "ભારત અને સાયપ્રસ દ્વિપક્ષીય સહયોગને વ્યૂહાત્મક દિશા આપવા અને સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે એક રોડમેપ વિકસાવશે." તેમણે પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી અને ભારપૂર્વક કહ્યું કે "આ યુદ્ધનો યુગ નથી." PM મોદીએ સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવા બદલ સાયપ્રસનો આભાર પણ માન્યો. આ વર્ષે શરૂ થયેલી ભારત-સાયપ્રસ-ગ્રીસ ભાગીદારી અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી.
આ મુલાકાત દરમિયાન PM મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિઓસ III' એનાયત કરવામાં આવ્યું, જે ભારત માટે ગર્વની બાબત છે. બંને રાષ્ટ્રપતિઓએ પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી અને સહમતિ વ્યક્ત કરી કે આ યુદ્ધનો યુગ નથી. સાયપ્રસના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમની અને PM મોદી વચ્ચે સાયપ્રસ મુદ્દા પર પણ ચર્ચા થઈ છે, અને સાયપ્રસ તુર્કીના ગેરકાયદેસર કબજાને સમાપ્ત કરવા માંગે છે. નોંધનીય છે કે, સોમવારે PM મોદી અને રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે નિકોસિયા નજીકના પર્વતોની મુલાકાત લીધી હતી, જે તુર્કીના કબજા હેઠળ છે અને તેના પર લખેલા શબ્દો સાયપ્રસના લોકોને યાદ અપાવે છે કે તેમનો દેશનો મોટો ભાગ 1974 થી તુર્કીના કબજા હેઠળ છે.
સાયપ્રસની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, PM મોદી કેનેડા જવા રવાના થયા છે. અહીં તેઓ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર G7 સમિટમાં હાજરી આપવા માટે કનાનાસ્કિસ જશે. G-7 સમિટ પછી, PM મોદી ક્રોએશિયા જવા રવાના થશે.