DDMA Meeting:  દિલ્હીમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિને જોતાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બુધવારે એક મહત્વની બેઠક બોલાવી છે. જેમાં વર્તમાન સ્થિતિને જોતાં અનેક મહત્વપૂર્ણ ફેંસલા લેવામાં આવી શકે છે.


આ મુદ્દે થઈ શકે છે ચર્ચા


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું, બુધવારે ડીડીએમએની મહત્વપૂર્ણ બેઠકમાં સ્કૂલના બાળકો માટે ફેસ માસ્કનો ફરજિયાત ઉપયોગ અને ઓફલાઈન-ઓનલાઈન શિક્ષણ માટે હાઇબ્રિડ મોડ પર ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતમાં યોજાનારી બેઠકમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરાશે.


ફેસ માસ્કનો ઉપયોગ ન કરવા પર દંડ લગાવવાની થઈ શકે છે ચર્ચા


રિપોર્ટ મુજબ, ચાલુ મહિનાની શરૂઆતમાં ડીડીએમએ દ્વારા 500 રૂપિયાનો દંડ પરત લીધા બાદ દિલ્હીમાં લોકો દ્વારા માસ્કનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાના વધતા કેસને જોતા માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવા અને માસ્ક નહીં પહેરવા બદલ દંડ લગાવવાની ચર્ચા થઈ શકે છે.


ઉત્તરપ્રદેશ સરકારે સોમવારે રાજધાની લખનઉ, નોયડા અને ગાઝિયાબાદ સહિત છ એનસીઆર જિલ્લામાં જાહેર સ્થળોએ લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1247 નવા કેસ અને માત્ર એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં સોમવારે ઘણા દિવસો બાદ બે હજારથી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે દેશમાં 2183 નવા કેસ અને 214 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1150 નવા કેસ નોંધાયા અને 4 સંક્રમિતોના મોત થયા હતા.. શનિવારે 975 નવા કેસ અને માત્ર 4 સંક્રમિતોના મોત થયા હતા.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 11,860 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,966 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,11,701 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 186,72,15,865 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 16,89,995 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.