Deep Fake Video: છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં ડીપફેક ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દિવસોમાં ઘણી સેલિબ્રિટી ડીપફેકનો શિકાર બની રહી છે. તાજેતરમાં રશ્મિકા મંદાના બાદ રણવીર સિંહ તેનો શિકાર બન્યો છે. હવે સવાલ એ છે કે આવું કરવા બદલ શું સજા થઈ શકે છે અને કાયદો તેના વિશે શું કહે છે. ભારત સરકારે આવી ખોટી માહિતી માટે સજા અને દંડની જોગવાઈ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 ની કલમ 66D ટાંકીને કહ્યું છે કે જે 'કોમ્પ્યુટર રિસોર્સનો ઉપયોગ કરીને છેતરપિંડી માટે સજા' સાથે સંબંધિત છે, તે જણાવે છે કે કમ્યુનિકેશન ડિવાઈસ અથવા કમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરીને નકલ કરીને કોઈ વ્યક્તિ દોષિત ઠરે છે તો તેને 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.






આ નિયમની યાદ અપાવતા સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને પણ આવી સામગ્રી સામે કડક પગલાં લેવા અને પ્રાથમિક સ્ત્રોતની ઓળખ કરવા જણાવ્યું છે. જો તમે આવું કૃત્ય કરો છો તો તમને માત્ર સજા અને દંડ જ નહીં, તમારું એકાઉન્ટ પણ કાયમ માટે ડિસેબલ કરી દેવામાં આવશે.                                      


અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં અભિનેત્રી લિફ્ટની અંદર આવતી જોવા મળી રહી છે જેમાં તે બોલ્ડ અંદાજમાં બતાવવામાં આવી છે. જો કે આ વીડિયોની સત્યતા એ છે કે આ વીડિયો 8 ઓક્ટોબરના રોજ ઝારા પટેલ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ઝારા પટેલના શરીરનો ઉપયોગ કરીને ડીપફેકની મદદથી આ વીડિયોમાં રશ્મિકાનો ચહેરાને લગાવી દેવામાં આવ્યો છે. આવી જ રીતે આમિર ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.